અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર દુનિયામાં ચિંતાનું માહોલ જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, અમેરિકન સેનાએ વેનેઝુએલાની રાજધાની કરાકાસ સહિત કેટલાક મહત્વના વિસ્તારોમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અમેરિકન દળોએ ધરપકડ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


અમેરિકન યુદ્ધજહાજ પર લઇ જવાયા

દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ માદુરોને હાથકડી અને આંખે પટ્ટી બાંધીને અમેરિકન યુદ્ધજહાજ પર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા ન્યૂ યોર્કના મેનહટન લઈ જવાયા હતા, જ્યાં તેમને કડક સુરક્ષા વચ્ચે ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA)ની ઓફિસમાં રજૂ કરવામાં આવ્યા. માદુરો પર ડ્રગ હેરાફેરી અને નાર્કો-આતંકવાદ જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે.


જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા

આ ઘટનાની જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાય છે. ટ્રમ્પે જણાવ્યું કે હાલ અમેરિકા વેનેઝુએલા પર શાસન કરશે. આ નિવેદન બાદ લેટિન અમેરિકા, યુરોપ, રશિયા અને ચીન સહિત અનેક દેશોએ અમેરિકાની કાર્યવાહીની કડક નિંદા કરી છે અને તણાવ ઘટાડવાની અપીલ કરી છે.

40 લોકોના મોત

અહેવાલો મુજબ, કરાકાસમાં થયેલા એરસ્ટ્રાઇક દરમિયાન ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હોવાની માહિતી પણ સામે આવી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વેનેઝુએલામાં આવેલા US દૂતાવાસે અમેરિકન નાગરિકો માટે લેવલ-4 “મુસાફરી ન કરો” એડવાઇઝરી જારી કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે દેશની સુરક્ષા પરિસ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે અને હાલમાં કોઈ પણ વાણિજ્યિક ફ્લાઇટ્સ કાર્યરત નથી.

ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત

માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા હોવાનું જણાવાયું છે. જોકે, રોડ્રિગ્ઝે પોતાના ભાષણમાં માદુરોને જ રાષ્ટ્રપતિ ગણાવ્યા અને અમેરિકાની કાર્યવાહીને આક્રમક અને ગેરકાયદેસર ગણાવી છે.

ઝોહરાન મામદાનીએ આ કાર્યવાહીનો વિરોધ

આ સમગ્ર ઘટનાને લઈને અમેરિકા અંદર પણ રાજકીય પ્રતિક્રિયાઓ જોવા મળી છે. ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મામદાનીએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને તેને એક સાર્વભૌમ દેશ પર હુમલો ગણાવ્યો છે. સાથે જ ડેમોક્રેટ્સ દ્વારા કટોકટી બેઠક બોલાવવાની તૈયારી પણ ચાલી રહી હોવાનું કહેવાય છે

 “સ્વતંત્રતાની શરૂઆત”

વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ માદુરોની ધરપકડને “સ્વતંત્રતાની શરૂઆત” ગણાવી છે. તેમણે જણાવ્યું કે હવે દેશમાં લોકશાહી અને કાયદાનું શાસન સ્થાપિત થવાની આશા છે. કુલ મળીને, આ ઘટના વૈશ્વિક રાજનીતિ માટે એક ગંભીર વળાંક તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : World News : અમેરિકાનો વેનેઝુએલા પર ગુપ્ત હુમલો ! શું બાબા વાંગાની આગાહી હકીકત બની રહી છે?


  • Follow us on: