મેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વેપાર તણાવ હવે ખુલ્લા વેપાર યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડિયન માલ પર વધારાના કરવેરાની જાહેરાત કરવામાં આવ્યા બાદ, કેનેડાએ પણ વળતો પ્રહાર કરતા સેંકડો યુએસ ઉત્પાદનો પર ૫૦ ટકા સુધીનો ભારે ટેરિફ લાદી દીધો છે. ગત મહિને બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો નિષ્ફળ ગયા પછી આ સ્થિતિ વધુ વણસી છે.
કેનેડાનો મોટો પલટવાર
મળતી માહિતી મુજબ, કેનેડાએ અંદાજે 27.6 અબજ કેનેડિયન ડોલર મૂલ્યના ૭૦૦થી વધુ યુએસ ઉત્પાદનો પર ૧૫ ટકાથી લઈને ૫૦ ટકા સુધીનો ટેરિફ ઝીંક્યો છે. આ યાદીમાં ડેરી ઉત્પાદનો, કૃષિ સાધનો, કાગળ, ઘરગથ્થુ ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુએસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને લોખંડના ઉત્પાદનો પરનો ટેરિફ વધારીને સીધો બમણો એટલે કે ૫૦ ટકા કરી દેવામાં આવ્યો છે. ફર્નિચર, મોટરસાઇકલ, કપડાં અને કેટલાક સૌંદર્ય પ્રસાધનો પણ આ ભારે ટેરિફના દાયરામાં આવે છે. કેનેડાના નાણા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કડક પગલું તેના પોતાના કામદારો, ઉત્પાદકો અને સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે લેવામાં આવ્યું છે.
