અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. તાજેતરની એક મોટી સૈન્ય કાર્યવાહીમાં યુએસ નેવીએ ઓમાનના અખાત અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે પાંચ ઈરાની તેલ ટેન્કરોને નિશાન બનાવીને નાશ કર્યો છે. યુએસ યુદ્ધ જહાજો પર થયેલા મિસાઈલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) ના જણાવ્યા અનુસાર, હુમલા પહેલા તમામ પાંચેય જહાજોના ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જો કે, આ ઘટના બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

જવાબી કાર્યવાહીમાં ઇરાને પણ મિલિટરી બેઝ પર કર્યો હુમલો

જવાબી કાર્યવાહી કરતા ઈરાને પણ જોર્ડનમાં આવેલા યુએસ મિલિટરી બેઝ પર મિસાઈલો છોડ્યા હોવાના અહેવાલો છે. આ સાથે જ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી એક અમેરિકન લશ્કરી ડ્રોન પણ જપ્ત કરી લીધું હોવાનો દાવો કર્યો છે. આ પરસ્પર હુમલાઓએ વૈશ્વિક સ્તરે સુરક્ષા ચિંતાઓ વધારી દીધી છે.

આર્થિક પ્રતિબંધો અને કડક પગલાં

લશ્કરી કાર્યવાહી ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન સામે આર્થિક ઘેરાબંધી વધુ મજબૂત બનાવી છે. અમેરિકાએ ઈરાનના ઉડ્ડયન (એવિએશન) ક્ષેત્રને મોટો ફટકો આપતા ૩૬ જેટલી સંસ્થાઓ અને પેસેન્જર-ખાનગી એરલાઇન્સ પર કઠોર પ્રતિબંધો લાદ્યા છે. "ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ" અભિયાન હેઠળ લેવાયેલા આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની આવકના મુખ્ય સ્ત્રોતો અને નાણાકીય ચેનલોને સંપૂર્ણપણે કાપી નાખવાનો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ચેતવણી આપી છે કે ઈરાનની એરલાઇન્સ સાથે વેપાર કરનાર કોઈપણ વિદેશી કંપની કે દેશને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવશે.

અમેરિકાનો ઇરાન પર આરોપ

અમેરિકાનો આરોપ છે કે ઈરાની એરલાઇન્સ (જેમ કે માહી એર) નો ઉપયોગ અર્ધલશ્કરી દળો અને ગેરકાયદેસર શસ્ત્રોના પરિવહન માટે થાય છે. આ અગાઉ તુર્કી અને યુએઈ સાથે જોડાયેલી કેટલીક બેંકો અને લોજિસ્ટિક્સ કંપનીઓ સામે પણ ઈરાની તેલની આવક છૂપી રીતે ટ્રાન્સફર કરવા બદલ સૂર સધાયો છે.

ઈરાનની પ્રતિક્રિયા

અમેરિકાના આ આક્રમક વલણ સામે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમેરિકાની આ લાંબા સમયથી ચાલતી પ્રતિબંધ નીતિ નિષ્ફળ રહી છે અને તેનાથી વૈશ્વિક સ્તરે અમેરિકાની છબીને જ નુકસાન થયું છે. સતત વધી રહેલા ઘર્ષણને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને મધ્ય પૂર્વની શાંતિ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Train List: દિવાળી અને છઠ્ઠ માટે ખાસ ટ્રેનોની કરાઇ જાહેરાત, આ રહ્યુ ટ્રેનોનું લિસ્ટ