અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સામે ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહી વચ્ચે ભારતીય બાળકોને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક અહેવાલ અનુસાર, વર્ષ 2023થી અત્યાર સુધીમાં 1,389 ભારતીય બાળકોને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ બાળકોને હજુ સુધી તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા નથી. આ વિગતો અમેરિકાની સરકારી સંસ્થાના આંકડાઓના આધારે સામે આવી છે.
2023માં 730 બાળકો કસ્ટડીમાં હતા
અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડા અનુસાર, વાલીઓ વગર અમેરિકામાં રહેતા ભારતીય બાળકોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે.
વર્ષ 2023માં આવા 730 બાળકો નોંધાયા હતા
વર્ષ 2023માં આવા 730 બાળકો નોંધાયા હતા. વર્ષ 2024માં આ સંખ્યા ઘટીને 517 થઈ હતી. જ્યારે વર્ષ 2025માં માત્ર 91 બાળકો નોંધાયા હતા. વર્ષ 2026ની શરૂઆતમાં અમેરિકામાં આવા આશરે 51 બાળકો હતા. ઓક્ટોબર સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર 2 થઈ ગઈ હતી.
ટ્રમ્પ સરકારની ગેરકાયદે વસાહતીઓ સામે કડક કાર્યવાહી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ગેરકાયદે વસાહતીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. 'અમેરિકા ફર્સ્ટ'ના નારા સાથે ચૂંટણી લડનારા ટ્રમ્પના મુખ્ય ચૂંટણી વચનોમાં ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી બહાર કાઢવાનો મુદ્દો પણ સામેલ હતો. સત્તામાં આવ્યા બાદ તેમણે આ વચનને અમલમાં મૂકવા માટે હજારો લોકોને દેશમાંથી પરત મોકલવાની કાર્યવાહી કરી હતી.
4,800 ભારતીયોને અમેરિકામાંથી કરાયા ડિપોર્ટ
જાન્યુઆરી 2026માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, ટ્રમ્પ સરકાર અત્યાર સુધીમાં આશરે 2.5 લાખ લોકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરી ચૂકી છે. તેમાં આશરે 4,800 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, અનેક ભારતીયોને હાથકડી અને બેડીઓ પહેરાવીને પણ અમેરિકામાંથી પરત મોકલવામાં આવ્યા હતા.
ટ્રમ્પે સ્વીકારી વધુ પડતી કડકાઈની ભૂલ
વસાહતીઓ સામેની કડક નીતિઓને લઈને ટ્રમ્પ સરકારને રાજકીય પડકારોનો પણ સામનો કરવો પડ્યો છે. તાજેતરની મધ્યસત્ર ચૂંટણી બાદ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે ગેરકાયદે વસાહતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહીમાં કેટલીક જગ્યાએ જરૂર કરતાં વધુ કડકાઈ દાખવવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એવા લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા જેમની પાસે સારી નોકરીઓ હતી અને જેઓ અમેરિકાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા હતા. આ મુદ્દે કેટલાક લોકોએ રિપબ્લિકન પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.
આ પણ વાંચો : Operation Sindoor વખતે ચીને પાકિસ્તાનની મદદ શા માટે કરી? અમેરિકી અહેવાલમાં સૌથી મોટો ઘટસ્ફોટ