અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે ફરી એકવાર ચર્ચા તેજ બની છે. 79 વર્ષની ઉંમરે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સંભાળનારા બીજા સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. તેમના પુરોગામી ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ જો બાઇડેનએ જ્યારે પદ છોડ્યું ત્યારે 82 વર્ષના હતા. ત્યારે હાલમાં ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન (ઉઝરડા) જોવા મળ્યા હતા. ટ્રમ્પે હવે તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી છે અને કહ્યું છે કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
ટ્રમ્પ સ્વસ્થ છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમના હાથ પર વાદળી નિશાન (ઉઝરડા) પડી જવા તે કોઇ સ્વાસ્થ્યની સમસ્યા નથી પરંતુ તેઓ દરરોજ લેતા એસ્પિરિનનું પરિણામ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ જાહેર સભા દરમિયાન સૂઈ ગયા હતા. ટ્રમ્પે હવે આ દાવાને નકારી કાઢ્યો છે.
ટ્રમ્પે તેમના સ્વાસ્થ્ય વિશે શું કહ્યું?
79 વર્ષની ઉંમરે ટ્રમ્પ સૌથી વૃદ્ધ યુએસ રાષ્ટ્રપતિ છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ સાથેની મુલાકાતમાં, તેમણે જણાવ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય સંપૂર્ણ છે. તેમણે તેમના સ્વાસ્થ્ય વિશે સતત ચર્ચાથી પણ નારાજગી વ્યક્ત કરી હતી. તાજેતરના અઠવાડિયામાં મીડિયા અહેવાલોએ તેમના હાથ પર વાદળી નિશાન (જે ક્યારેક મેકઅપથી ઢંકાયેલા દેખાય છે) અને તેમના પગની ઘૂંટીઓ પર સોજો આવવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ લોહી પાતળું કરવા માટે દરરોજ એસ્પિરિન લે છે, જેના કારણે આ નિશાનો થાય છે.
હાથ પર નિશાનનું કારણ શું છે?
ઇન્ટરવ્યુમાં તેમના સ્વાસ્થ્ય વિશે વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબમાં, ટ્રમ્પે કહ્યું કે ચાલો 25મી વખત સ્વાસ્થ્ય વિશે ફરીથી વાત કરીએ. તેમણે તેમના સ્વાસ્થ્યમાં કોઈ ખરાબી થવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ તરીકેની ફરજો બજાવવા માટે સંપૂર્ણપણે ફિટ છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ કહે છે કે એસ્પિરિન લોહી પાતળું કરવા માટે સારી છે અને હું મારા હૃદયમાંથી જાડું લોહી વહે તે નથી ઇચ્છતો. હું મારા હૃદયમાંથી સારું પાતળું લોહી વહેતું ઇચ્છું છું.
ઊંઘના દાવાઓ વિશે શું?
ટ્રમ્પને નવેમ્બરમાં ઓવલ ઓફિસની મીટિંગ દરમિયાન ઘણી વખત આંખો ખુલ્લી રાખવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. જો કે તેમણે આ વાતનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે હું ક્યારેય વધારે ઊંઘનાર રહ્યો નથી. તેમણે ઊંઘમાં સૂતા દેખાવાની ઘટનાઓને આરામની ક્ષણો તરીકે વર્ણવી. હું ફક્ત મારી આંખો બંધ કરું છું. તે મારા માટે ખૂબ જ આરામદાયક છે. ક્યારેક મારી આંખો બંધ હોય તેવી તસવીરો લઇ લેવામાં આવે છે.
એમઆરઆઇને લઇને શું કહ્યું ?
ઓક્ટોબરમાં એમઆરઆઈ કરાવવાના પ્રશ્ન અંગે,ટ્રમ્પે કહ્યું કે તેમનું સીટી સ્કેન થયું હતું. સીટી સ્કેન એ શરીરની તસવીરો લેવાની એક ઝડપી અને વધુ સામાન્ય પદ્ધતિ છે. ટ્રમ્પે એ પણ નકારી કાઢ્યું કે તેમને સાંભળવાની કોઈ સમસ્યા નથી. ટ્રમ્પ વિશે આ ચિંતાઓ એવા સમયે આવી છે જ્યારે તેમને તેમના ભૂતકાળના નિવેદનોની યાદ અપાવવામાં આવી રહી છે, જેમાં તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને વારંવાર "સ્લીપી જો" કહીને તેમની મજાક ઉડાવી હતી.