પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ સતત ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. એક તરફ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાએ કડક નાકાબંધી અમલમાં મૂકી છે, તો બીજી તરફ યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ આક્રમક વલણ અપનાવતા બેલિસ્ટિક મિસાઈલો છોડીને સંઘર્ષને વધુ ભડકાવ્યો છે.

અમેરિકાની કડક નાકાબંધી અને સૈન્ય કાર્યવાહી

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકી નેવી દ્વારા ઈરાન વિરુદ્ધની નાકાબંધીનો સખત અમલ કરવામાં આવી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વેપાર અને જહાજોની અવરજવર પર અમેરિકી દળો દ્વારા ભારે નજર રાખવામાં આવી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, સૈન્ય કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ ૮૬ વાણિજ્યિક જહાજોને તેમના નિર્ધારિત માર્ગથી અન્યત્ર વાળવામાં (ડાયવર્ટ કરવામાં) આવ્યા છે. આ ઉપરાંત, નિયમોનું પાલન ન કરનાર અથવા શંકાસ્પદ જણાતા ૩ જહાજોને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૨ જહાજોનું ઓનબોર્ડ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેથી આ ક્ષેત્રમાં સુરક્ષા જળવાઈ રહે.

યમનમાં હુથી બળવાખોરોના મિસાઈલ અને જમીની હુમલા

દરમિયાન, યમનના પશ્ચિમી વિસ્તારોમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ તાઈઝ અને હોદેદાહ પ્રાંતને નિશાન બનાવીને 10 બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા છે. સરકારી સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મિસાઇલોમાંથી મોટાભાગની મિસાઇલો તાઈઝ પ્રાંતના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા મોખા શહેર તરફ છોડવામાં આવી હતી. આ વિસ્તાર તાજેતરના સપ્તાહોમાં હુતીઓના ડ્રોન હુમલાઓનું પણ મુખ્ય કેન્દ્ર રહ્યો છે. આ ઉપરાંત, હોદેદાહ પ્રાંતના અલ-ખોખા જિલ્લા પર પણ હુમલા કરવામાં આવ્યા છે.

હુતીઓએ હોર્મુઝ સિવાય જમીન પર પણ કર્યા હુમલા

મિસાઈલ હુમલાઓ ઉપરાંત, હુતી લડવૈયાઓએ તાઈઝના અલ-કાદાહા અલ-બારા વિસ્તારમાં જમીન પર પણ આક્રમક હુમલો કર્યો હતો. જો કે, યમનની સરકારી સેનાએ સમયસર વળતો પ્રહાર કરીને આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો અને હુથી લડવૈયાઓને પીછેહઠ કરવા માટે મજબૂર કર્યા હતા.

વૈશ્વિક વેપાર અને સુરક્ષા પર અસર

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની આકરી નાકાબંધી અને યમનમાં હુતીઓ દ્વારા કરવામાં આવી રહેલા બેલિસ્ટિક મિસાઈલ તથા જમીની હુમલાઓને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાક્રમ માત્ર આ ક્ષેત્રની આંતરિક સુરક્ષા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક દરિયાઈ વેપાર અને ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન માટે પણ મોટો ખતરો બની રહ્યો છે.

આ પણ વાંચોઃ World News: PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિની મુલાકાતથી અમેરિકા કેમ થયુ નારાજ, માર્કો રુબિયોએ આપી ચેતવણી