અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સોમવારે બપોરે અમેરિકા અને ઈરાન વચ્ચે બેઠક શરૂ થશે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે આ વાતચીત દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ અને પરમાણુ મુદ્દે કોઈ મોટો કરાર થઈ શકે છે, જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે.

અમેરિકા અને ઇરાન વચ્ચે મહત્વની બેઠક

પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ માનવજીવનનું નુકસાન કરવા માંગતા નથી. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતું, જે બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી ભયાનક હુમલો સાબિત થઈ શકત. જો કે, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર અને ખુદ ઈરાનના પડોશીઓની વિનંતીને માન આપીને તેમણે આ હુમલો હાલ પૂરતો મુલતવી રાખ્યો છે.ટ્રમ્પે ઉમેર્યું કે સાઉદી અરેબિયાના રાજા અને ક્રાઉન પ્રિન્સે પણ યુદ્ધને બદલે કોઈ શાંતિપૂર્ણ સોદો થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ઈરાન તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે તેઓ યુદ્ધ ઈચ્છતા નથી અને વાટાઘાટો દ્વારા મામલો ઉકેલવા માંગે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બળનો બિનજરૂરી ઉપયોગ અટકાવવા માટે રાજદ્વારી માર્ગ અપનાવવામાં આવ્યો છે.

સોમવાર બપોર બાદ થશે વાટાઘાટો

આગામી વાટાઘાટો વિશે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે આ સોમવાર બપોરથી શરૂ થનારી ચર્ચા ઘણા લોકોના જીવ બચાવશે અને વિનાશ રોકવામાં મદદ કરશે. તેઓ ઈરાનને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા બાબતે નક્કર સમજૂતી ઈચ્છે છે. જો કે, ભૂતકાળમાં ઈરાનના વલણને જોતા તેઓ થોડા સાવચેત પણ છે, પરંતુ આશા છે કે આ બેઠક સકારાત્મક પરિણામો લાવશે.

આ પણ વાંચોઃ Greece ના એથેન્સમાં સામે સામે ટકરાયા હેલિકોપ્ટર, 2 લોકોના મોત