અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી એક વખત યુદ્ધ ફાટી નીકળ્યું છે. જેમાં જોર્ડન, કુવૈતથી લઇને ઇરાક સુધી ઇરાને તબાહી મચાવી છે.તો બીજી તરફ અમેરિકાએ તેહરાનના 10 સ્થળો પર હુમલો કર્યો છે. બંને દેશો એકબીજા પર એક બાદ એક મિસાઇલો દાગીને હુમલા કરી રહ્યા છે.
અમેરિકા ઇરાન વોર 2.0
ખાડી દેશોમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે યુદ્ધના સ્વરૂપમાં ફેરવાઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકી સૈન્ય દ્વારા ઈરાન વિરુદ્ધ કરવામાં આવેલા આક્રમક હુમલાઓ બાદ સમગ્ર ક્ષેત્રમાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ઠેકાણાઓ પર મોટા પાયે શક્તિશાળી હુમલાઓ કર્યા હોવાની પુષ્ટિ કરી છે, જેના જવાબમાં ઈરાને પણ બદલો લેવાની કાર્યવાહી તેજ કરી દીધી છે.
જોર્ડન અને કુવૈતમાં અમેરિકી ઠેકાણાઓ પર મિસાઇલ દાગી
તાજેતરની આ ઘટનાઓમાં, ઈરાની સૈન્ય એટલે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે આક્રમણકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. ઈરાન તરફથી જોર્ડન અને બહેરીન જેવા દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓને મિસાઈલ અને ડ્રોન હુમલાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. જોર્ડનની સેનાએ જણાવ્યું છે કે તેના એર ડિફેન્સ સિસ્ટમે દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલી ૧૩માંથી ૧૦ બેલિસ્ટિક મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી, જ્યારે બાકીની ૩ મિસાઈલો નિર્જન વિસ્તારોમાં પડી હતી. બીજી તરફ, કુવૈતનું સૈન્ય પણ દુશ્મન ડ્રોન હુમલાઓ સામે પોતાની સુરક્ષા પ્રણાલી સક્રિય કરી ચૂક્યું છે.
https://twitter.com/vikaskumarmodi/status/2094980504659623966
લગ્ન વાળા ઘર પર મિસાઇલ ત્રાટકી
આ યુદ્ધ દરમિયાન નિર્દોષ લોકો પણ માર્યા ગયા છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે મોડી રાત્રે દક્ષિણ હોર્મોઝગાન પ્રાંતમાં આવેલા એક લગ્ન ઘર પર અમેરિકી મિસાઈલ ત્રાટકવાથી એક બાળક સહિત 5 નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને 50 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઈરાનમાં રોષ વધુ ભડક્યો છે.
યુદ્ધ વધુ વકરે તેવી સંભાવના
IRGC એ આક્ષેપ કર્યો છે કે અમેરિકા નાગરિક વસ્તીવાળા વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે, જેના કારણે આ જળમાર્ગમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, આ સંઘર્ષ વચ્ચે અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા ઈરાનની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખાડી ક્ષેત્રમાં સર્જાયેલી આ યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ પુરવઠા અને વૈશ્વિક સુરક્ષા અંગે ચિંતાઓ વધી ગઈ છે. બંને પક્ષો પાછળ હટવા તૈયાર ન હોવાથી આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચોઃ Iran-America વચ્ચે ફરી વધ્યો તણાવ, અમેરિકી સેનાએ ઈરાનના કેટલાક ઠેકાણાઓ પર કર્યો હુમલો