ઈરાન સાથેના યુદ્ધના કારણે અમેરિકાને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે સેનેટમાં જણાવ્યું કે અત્યાર સુધી આ યુદ્ધ પર 37.5 અબજ ડોલરનો ખર્ચ થઈ ચૂક્યો છે. બીજી તરફ, વધુ ત્રણ સૈનિકોના મોત સાથે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 17 પર પહોંચી ગયો છે.
ઈરાન યુદ્ધના કારણે અમેરિકા સરકારની મુશ્કેલીઓ પણ વધતી જોવા મળી રહી છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથને સેનેટની વિનિયોગ સમિતિ (એપ્રોપ્રિયેશન્સ કમિટી)ની સુનાવણી દરમિયાન આકરા સવાલો અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ સુનાવણી દરમિયાન હેગસેથે માહિતી આપી હતી કે ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા અત્યાર સુધીમાં 37.૫ અબજ ડોલર (આશરે 3.61 લાખ કરોડ રૂપિયા) ખર્ચ કરી ચૂક્યું છે.
અમેરિકાને ઈરાન સાથેની જંગમાં જાન-માલ બંનેનું મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પેન્ટાગોને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તાજેતરના હુમલાઓમાં વધુ ત્રણ અમેરિકી સૈનિકોના મોત થયા છે. આ સાથે જુલાઈની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 17 સૈનિકો શહીદ થઈ ચૂક્યા છે, જ્યારે 100થી વધુ સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.
આ સુનાવણી દરમિયાન હેગસેથ વિરુદ્ધ જોરદાર નારેબાજી પણ થઈ હતી. આમ છતાં, હેગસેથે સ્પષ્ટ કર્યું હતું કે રિપબ્લિકન પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું 95 અબજ ડોલરનું ફંડ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું 1.5 ટ્રિલિયન ડોલરનું પ્રસ્તાવિત સંરક્ષણ બજેટ સેના માટે અત્યંત જરૂરી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ ફંડ નહીં મળે, તો સેનાને સંસાધનોની તંગીનો સામનો કરવો પડશે.
ડેમોક્રેટ્સના પ્રહાર
સમિતિના ટોચના ડેમોક્રેટ સભ્ય અને સીનેટર પેટી મુરેએ સરકારના હેતુઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. મુરેએ જણાવ્યું હતું કે, "આ યુદ્ધ ફરી એકવાર બેકાબૂ બની રહ્યું છે. આપણે વધુ એક ક્યારેય ન પૂરું થાય તેવા યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ." મુરેએ વધુમાં ઉમેર્યું કે ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે કરાર નજીક છે અને યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થઈ જશે, પરંતુ હવે તેઓ વધુ 70 અબજ ડોલરની માંગણી કરી રહ્યા છે અને આપણી પાસે માત્ર એવો ભરોસો રાખવાની અપેક્ષા રાખે છે કે બધું સારું થઈ જશે.
બજેટ પ્રસ્તાવ પર વ્હાઈટ હાઉસનો ભાર
આ સુનાવણી દરમિયાન જોઈન્ટ ચિફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેન અને કૃષિ મંત્રી બ્રુક રોલિન્સે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. રિપબ્લિકન પાર્ટીના બજેટ પ્રસ્તાવમાં યુદ્ધ ફંડ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાની અન્ય જરૂરિયાતો હેઠળ 60 અબજ અને 12 અબજ ડોલર, કૃષિ સહાય માટે 10 અબજ ડોલર અને વોટિંગ કાયદામાં ફેરફાર માટે 10 અબજ ડોલર સામેલ છે. સુનાવણી પહેલાં વ્હાઈટ હાઉસે એક નિવેદન બહાર પાડીને સેનેટને આ બજેટ પ્રસ્તાવને કોઈ પણ ફેરફાર વગર તાત્કાલિક મંજૂરી આપવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: Ukraine War: વિરોધ બાદ યુક્રેનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આર્મી ચીફને પદ પરથી હટાવ્યા