અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ત્રણ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. ટ્રમ્પના મતે, બંને દેશો વચ્ચે એક મજબૂત સમજૂતી થઈ છે, જેના અંતર્ગત ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં. જોકે, આ દાવાઓની વચ્ચે ઈરાને સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી કોઈ અંતિમ કરાર કરવામાં આવ્યો નથી, જેના કારણે આ સમગ્ર મામલો અત્યારે રહસ્ય અને મૂંઝવણભર્યો બની ગયો છે.
અમે ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરી દીધુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે એક વર્ચ્યુઅલ જાહેર સભા દરમિયાન જણાવ્યું હતું કે, "અમે ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરી દીધું છે. અમારો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ શસ્ત્રોથી દૂર રાખવાનો હતો, જેમાં અમે સફળ રહ્યા છીએ." આ નિવેદન અગાઉ તેમણે ઈરાન પરના કેટલાક સંભવિત હુમલાઓ રદ કર્યા હતા અને સોશિયલ મીડિયા પર સમજૂતીના સંકેતો આપ્યા હતા. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી કરાર સંપૂર્ણપણે અમલમાં ન આવે ત્યાં સુધી ઈરાની બંદરો પર અમેરિકી નાકાબંધી યથાવત રહેશે.










