અમેરિકાએ સતત સાતમી રાત્રે ઈરાન પર નવા હવાઈ હુમલા કર્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (પાયાની સુવિધાઓ) અને દરિયાકાંઠાના વિસ્તારો પર જમીની હુમલાની પણ ચેતવણી આપી છે. બીજી તરફ, 3 નાગરિકોના મોતથી ભડકેલા ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો હુમલા નહીં અટકે, તો તે અમેરિકા સામે પૂર્ણ કક્ષાનું આક્રમક યુદ્ધ શરૂ કરી દેશે.અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ હવે સંપૂર્ણપણે બેકાબૂ બની ચૂક્યો છે. અમેરિકન સેનાએ શુક્રવારે બપોરે 3:00 વાગ્યે (ભારતીય સમય અનુસાર રાત્રે 12:30 વાગ્યે) ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પરથી હવાઈ હુમલા કર્યા.
આ સતત સાતમી એવી રાત છે જ્યારે અમેરિકન ફાઇટર જેટ્સ અને મિસાઇલોએ ઈરાનની ધરતીને ધ્રુજાવી દીધી છે. આ હુમલાઓ પછી અખાતી ક્ષેત્રમાં પૂર્ણ કક્ષાના યુદ્ધનો ખતરો ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંકટમાં આવી ગઈ છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે રાષ્ટ્રપતિના નિર્દેશો પર ઈરાનની સૈન્ય ક્ષમતાઓને સતત નષ્ટ કરવા માટે આ હુમલા કરવામાં આવ્યા છે."
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગ્રાઉન્ડ ઓપરેશનની આપી ધમકી
આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે અમેરિકા પોતાના હવાઈ હુમલાઓનો વ્યાપ વધારીને ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી શકે છે. આ સાથે જ તેમણે ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારો અથવા ટાપુઓ પર અમેરિકન સેનાના જમીની હુમલા (ગ્રાઉન્ડ ઓપરેશન) ની શક્યતાને પણ નકારી ન હતી. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ ઈરાનમાં ચલાવવામાં આવી રહેલા આ અભિયાનોનો હેતુ ભવિષ્ય માટેના તમામ સૈન્ય વિકલ્પો ખુલ્લા રાખવાનો છે.
છેલ્લા શ્વાસ સુધી લડીશું - ઈરાનના વિદેશ મંત્રી
આ દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ X પર એક ખૂબ જ કડક અને ભાવુક પોસ્ટ શેર કરીને અમેરિકા પર સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો.તેમણે લખ્યું, "બંદર ખમીર પુલ પાર કરતી વખતે અમારા 3 નિર્દોષ ગ્રામીણો શહીદ થયા છે. તેઓ સંપૂર્ણપણે નિર્દોષ હતા, અને અમે તેમનું લોહી ક્યારેય એળે જવા દઈશું નહીં. દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્ચિમ સુધી - ઈરાન અમારું વતન છે. અમે અમારી ધરતીના એક-એક ઇંચનું રક્ષણ અમારા છેલ્લા શ્વાસ સુધી કરીશું."
ઈરાને આપી પૂર્ણ વળતા હુમલાની ચેતવણી
અમેરિકન હુમલાના જવાબમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહસેન રઝાઈએ ઈરાની સરકારી ટેલિવિઝન પર સીધા શબ્દોમાં મહાવિનાશની ચેતવણી આપી છે. રઝાઈએ જણાવ્યું કે, "જો અમેરિકન હુમલા હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે, તો ઈરાન હવે રક્ષણાત્મક મોડમાંથી બહાર આવીને 'પૂર્ણ કક્ષાના આક્રમક લશ્કરી ઓપરેશન' ના તબક્કામાં કદમ મૂકશે."
નિષ્ણાતોને ડર છે કે જો ઈરાન પલટવાર કરશે, તો તે પાડોશી આરબ દેશોના મહત્વના તેલ ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે અથવા યમનના હૂથી જેવા પોતાના સહયોગી જૂથો દ્વારા લાલ સમુદ્ર (Red Sea) માં વ્યાપારી જહાજો પર હુમલા તેજ કરી શકે છે, જેનાથી વિશ્વભરમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જશે.
આ પણ વાંચો: Shashi Tharoor: હોટેલની લિફ્ટમાં ફસાયા શશિ થરૂર, દરવાજો તોડીને કરાયું રેસ્ક્યૂ