પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું લશ્કરી અભિયાન હવે માત્ર મિસાઈલો અને ડ્રોન સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેની પાછળ થતો અબજો ડોલરનો ખર્ચ એક મોટો રાજકીય મુદ્દો બની રહ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સામેના આ યુદ્ધનો આર્થિક બોજ એકલા ઉઠાવવાના મૂડમાં નથી. વ્હાઇટ હાઉસના તાજેતરના નિવેદનો સૂચવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર આ ખર્ચને આવરી લેવા માટે આરબ દેશોની ભાગીદારી ઈચ્છે છે.
યુદ્ધનો અધધધ ખર્ચ ક્યાંથી કાઢશે?
મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઈરાન સામેના યુદ્ધના પ્રથમ છ દિવસમાં જ $11.3 બિલિયનથી વધુનો ખર્ચ થયો હતો. વોલ સ્ટ્રીટ જર્નલના અંદાજ મુજબ, શરૂઆતના ત્રણ અઠવાડિયામાં આ આંકડો $1.4 થી $2.9 બિલિયનની વચ્ચે હોઈ શકે છે. આ રકમમાં યુદ્ધ દરમિયાન થયેલા નુકસાન અને વળતરના ખર્ચનો સમાવેશ થતો નથી. આ વધતા ખર્ચને પહોંચી વળવા માટે વ્હાઇટ હાઉસે કોંગ્રેસ પાસેથી $200 બિલિયનના વધારાના લશ્કરી બજેટની માંગ કરી છે.
વ્હાઇટ હાઉસે આપ્યો આ સંકેત
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુદ્ધના ખર્ચને વહેંચવા માટે આરબ દેશો પાસેથી મદદ મેળવવામાં "ખૂબ જ રસ" ધરાવે છે. જોકે આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ આ દિશામાં ગંભીર વિચારણા ચાલી રહી છે. લેવિટે 1990 ના ગલ્ફ યુદ્ધનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તે સમયે ઘણા દેશોએ સાથે મળીને ખર્ચ ઉઠાવ્યો હતો, જ્યારે હાલના ઈરાન સંઘર્ષમાં અમેરિકા અને ઈઝરાયલ મોટાભાગે એકલા જ લડી રહ્યા છે.
ઉર્જા અને લાંબા ગાળાના ફાયદા
યુદ્ધને કારણે વધી રહેલા તેલ અને ઉર્જાના ભાવો વિશે લેવિટે આશ્વાસન આપ્યું હતું કે આ વધારો માત્ર કામચલાઉ છે. તેમના મતે, ઈરાનને નબળો પાડવો એ અમેરિકા, તેના સૈનિકો અને સાથી દેશોની સુરક્ષા માટે અનિવાર્ય છે. ઈરાનના જોખમને દૂર કરવાથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સ્તરે ફાયદો થશે તેવું વ્હાઇટ હાઉસનું માનવું છે.
