અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ
અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલો વિવાદ હવે યુદ્ધના આરે પહોંચી ગયો છે. જીનીવામાં બંને દેશો વચ્ચે યોજાયેલી ત્રીજા તબક્કાની પરમાણુ વાટાઘાટો પણ સંપૂર્ણપણે બેનતીજા અને નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતા બાદ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં સૈન્ય હલચલ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP)ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાન સાથે વધી રહેલા ગંભીર સૈન્ય તણાવ વચ્ચે અમેરિકી સેના બહેરીન સ્થિત પોતાના વ્યૂહાત્મક નેવી બેઝ પરથી પાછી હટી ગઈ છે.
અમેરિકી જહાજો ગાયબ
તાજેતરમાં સામે આવેલી સેટેલાઈટ તસવીરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે. આ તસવીરો દર્શાવે છે કે અમેરિકી નૌસેનાએ બહેરીનથી પોતાના તમામ યુદ્ધ જહાજો અને સૈન્ય સામગ્રીને સુરક્ષિત સ્થળે ખસેડી લીધી છે. બહેરીન એ અમેરિકી નૌસેનાના અત્યંત મહત્વપૂર્ણ એવા પાંચમા બેડા (Fifth Fleet)નું મુખ્ય મથક છે. ઈરાન સાથે ચાલી રહેલા આ સશસ્ત્ર સંઘર્ષમાં અમેરિકાને મોટો ડર હતો કે ઈરાન તેની ઘાતક બેલિસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન વડે બહેરીનના આ મિલિટરી બેઝને સીધું નિશાન બનાવી શકે છે. આ સંભવિત વિનાશક હુમલાથી બચવા માટે વોશિંગ્ટને આ મોટો વ્યૂહાત્મક નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.













