અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં આવેલી એક અતિસંવેદનશીલ પરમાણુ સુવિધામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી કટોકટી (Emergency) જાહેર કરવામાં આવી હતી. એકેન શહેર નજીક આવેલા સવાન્ના રિવર સાઇટ (SRS) સંકુલની 'સવાન્ના રિવર નેશનલ લેબોરેટરી'માં સાંજે આશરે 5:39 વાગ્યે આગ લાગી હતી. ઇમરજન્સી ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળીને લગભગ બે કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સુરક્ષાના કડક પગલાં અને ટ્રાફિક પર પ્રતિબંધ
આગ લાગતાની સાથે જ સલામતીના ભાગરૂપે આસપાસના તમામ પ્રવેશદ્વારો બંધ કરી દેવામાં આવ્યા હતા અને વાહનોની અવરજવર રોકી દેવામાં આવી હતી. એટલું જ નહીં, લેબની આસપાસના રેલવે, નદી અને હવાઈ વાહનવ્યવહાર (Air Traffic) પર પણ તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવાયો હતો. સુવિધામાં કામ કરતા બિન-જરૂરી કર્મચારીઓને સલામત સ્થળે જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમારતની બહાર કોઈપણ પ્રકારની કિરણોત્સર્ગી સામગ્રી (Radioactive Material) લીક થવાના પુરાવા મળ્યા નથી.
સ્થાનિક રહેવાસીઓને એલર્ટ રહેવા સૂચના
આ ઘટના અંગે રાજ્ય અને સ્થાનિક તંત્રને તુરંત જ જાણ કરવામાં આવી હતી. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થાનિક લોકોને રેડિયો તથા ટેલિવિઝન અહેવાલો દ્વારા હવામાન અને સુરક્ષા સંબંધી અપડેટ્સ મેળવતા રહેવા જણાવાયું છે.
75 વર્ષ જૂનો ઐતિહાસિક પરમાણુ ઇતિહાસ
સવાન્ના રિવર સાઇટ યુનાઇટેડ સ્ટેટ્સના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમનું એક અત્યંત મહત્વપૂર્ણ કેન્દ્ર છે. છેલ્લા 75 વર્ષથી વધુ સમયથી આ સુવિધા યુએસ સૈન્યના વ્યૂહાત્મક સુરક્ષા મિશનને ટેકો આપી રહી છે. 1950ના દાયકામાં સ્થપાયેલા આ સંકુલમાં પાંચ પરમાણુ રિએક્ટર બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ મુખ્યત્વે પરમાણુ શસ્ત્રો માટે ટ્રિટિયમ અને પ્લુટોનિયમ-239 જેવા ખતરનાક તત્વો બનાવવા માટે થતો હતો. હાલમાં આ કેન્દ્ર યુએસ ઊર્જા વિભાગ હેઠળ પરમાણુ સામગ્રી અને રેડિયોએક્ટિવ કચરાના સલામત નિપટારા માટે કામ કરે છે. તંત્રનું કહેવું છે કે કર્મચારીઓ, જનતા અને પર્યાવરણની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ પણ વાંચોઃ Akasa Airની પાઇલટ્સને દિવાળી ભેટ! પગારમાં 20% સુધીનો વધારો, વર્ષમાં 42 દિવસની રજા