અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ત્યાં જ સ્થાયી થવાનું સ્વપ્ન જોતા વિદેશી વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય યુવાનો માટે એક મોટા માઠા સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં રહીને કામ કરવાના માર્ગમાં વધુ એક મોટો અવરોધ ઊભો કર્યો છે. તાજેતરમાં, યુએસ સરકારે અભ્યાસ પૂરો કર્યા પછી દેશમાં કામ કરવા ઈચ્છુક વિદેશી વિદ્યાર્થીઓ માટે 70,000 ડોલર (આશરે 58 થી 60 લાખ રૂપિયા) ની ફી વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમથી અમેરિકામાં ભણતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ પર સીધી અને ગંભીર અસર પડી શકે છે.

OPT માટે ચૂકવવી પડશે અધધ ફી

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા પ્રસ્તાવિત આ નિયમ મુજબ, શૈક્ષણિક સંસ્થાઓએ કોઈપણ વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ માટે 70,000 ડોલરની ફી ચૂકવવી પડશે, જેમાં વિદ્યાર્થી પ્રથમ વખત ભાગ લે છે. આ ઉપરાંત, આ પ્રોગ્રામના દરેક અનુગામી નવીકરણ માટે શાળાઓ કે યુનિવર્સિટીઓએ વધારાની 30,000 ડોલરની ફી ચૂકવવી પડશે.

OPT પ્રોગ્રામ શું છે?

સામાન્ય રીતે, ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકામાં એક વર્ષ સુધી કામ કરવાની છૂટ મળે છે. આ નોકરીઓ વિદ્યાર્થીના મુખ્ય અભ્યાસ ક્ષેત્ર સાથે જ સંબંધિત હોવી જરૂરી છે. ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) જેવા ક્ષેત્રોના વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ વર્ષ સુધી અમેરિકામાં રહીને કામ કરી શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ કોર્સ પસંદ કરે છે અને OPT દ્વારા જ ત્યાં સારી નોકરી મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.

વિદેશી વિદ્યાર્થીઓ સામે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ

આ કડક પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ સામે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વર્ગનો દાવો છે કે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકન નાગરિકોના હકની નોકરીઓ છીનવી રહ્યા છે. DHS ના પ્રવક્તાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, OPT નો મૂળ હેતુ ક્યારેય પણ અમેરિકન શ્રમ બજારમાં પાછલા બારણેથી પ્રવેશ મેળવવાનો, સસ્તા શ્રમ માટે સબસિડી આપવાનો કે સિસ્ટમનું શોષણ કરવાનો નહોતો.

પ્રસ્તાવ હજુ અંતિમ નથી

જોકે, આ પ્રસ્તાવ હજુ અંતિમ નથી. ડીએચએસ (DHS) દ્વારા આ દરખાસ્તને આખરી સ્વરૂપ આપવામાં આવે અને તેનો સત્તાવાર અમલ થાય તે પહેલાં સામાન્ય જનતા માટે આના પર ટિપ્પણી કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે, આ પ્રસ્તાવ સામે અમેરિકાના ઉચ્ચ શિક્ષણ જૂથો અને મોટા વ્યવસાયિક સંગઠનો દ્વારા કાનૂની પડકારો પણ ઊભા કરવામાં આવી શકે છે, જેના કારણે આ નિર્ણયના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે. પરંતુ આ પ્રસ્તાવે ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે.

આ પણ વાંચોઃ Oil Supply: દુનિયાના ઓઇલ ભંડારનો મોટો હિસ્સો ખતમ, ભારત સહિત દુનિયા સામે નવી ચિંતા