આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સને ભલે દુનિયામાં પોલીસિંગનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું હોય, પરંતુ જમીની સ્તર પર આ ટેકનોલોજીને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાના ઓહાયો રાજ્યના ડબલિન શહેરમાં પોલીસની મદદ માટે તૈનાત કરવામાં આવેલા એક અત્યાધુનિક રોબોટ પોલીસકર્મી 'ડબબોર્ટ'નો પ્રયોગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. આશરે એક વર્ષ સુધી પોતાની સેવાઓ આપ્યા બાદ આ રોબોટને સમય પહેલા જ રિટાયર્ડ કરી નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

63 લાખ રૂપિયાનો ખર્ચ, પણ સિદ્ધિ 'શૂન્ય'

આ આખા પ્રોજેક્ટની સૌથી રસપ્રદ અને ચોંકાવનારી વાત એ છે કે, એક વર્ષની પૂરી ડ્યુટી દરમિયાન આ રોબોટે ન તો કોઈ ગુનેગારને પકડવામાં મદદ કરી, ન કોઈની ધરપકડ કરાવી અને ન તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈ વ્યક્તિનું ચલાણ કાપ્યું છે. આ છતાં, આ પાયલોટ પ્રોજેક્ટ પાછળ શહેર પ્રશાસનને આશરે 67,548 ડોલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ 63 લાખ રૂપિયાનો મોટો ખર્ચ કરવો પડ્યો હતો.

જુલાઈ 2025માં કરાયો હતો તૈનાત

'ડબબોર્ટ' ખરેખર અમેરિકન ટેક કંપની નાઇટસ્કોપનો K5 ઓટોનોમસ સિક્યોરિટી રોબોટ હતો. તેને જુલાઈ 2025માં ડબલિન શહેરના એક પાર્કિંગ ગેરેજમાં તૈનાત કરવામાં આવ્યો હતો. પ્રશાસનની યોજના તેને પાછળથી અન્ય સાર્વજનિક અને ભીડભાડવાળા વિસ્તારોમાં પણ ઉપયોગમાં લેવાની હતી. આ રોબોટમાં સુરક્ષાની દૃષ્ટિએ 360 ડિગ્રી કેમેરા, ટુ-વે ઇમરજન્સી કોમ્યુનિકેશન સિસ્ટમ અને એક ઇમરજન્સી કોલ બટન આપવામાં આવ્યું હતું, જેથી નાગરિકો જરૂરિયાત પડ્યે સીધો પોલીસનો સંપર્ક કરી શકે.

અપેક્ષાઓ પર ખરો ન ઊતર્યો 'ડબબોર્ટ'

ડબલિન પોલીસને આશા હતી કે, આ રોબોટ સાર્વજનિક સુરક્ષા વધારવામાં અને દેખરેખ રાખવામાં માનવ પોલીસકર્મીઓની મદદ કરશે. તેને બે વર્ષના પાયલોટ પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવ્યો હતો, પરંતુ એક વર્ષની અંદર જ અધિકારીઓનો તેના પરથી મોહભંગ થઈ ગયો છે.

ડબલિન પોલીસના પ્રવક્તા રોબિન ગ્રેના જણાવ્યા અનુસાર, ઓહાયો શહેર પ્રશાસને ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ નિર્ણય લીધો કે, આ સિસ્ટમ અપેક્ષા મુજબનું પરિણામ આપી રહી ન હતી. આ જ કારણે મે 2026માં 'ડબબોર્ટ'ને તેની સેવાઓમાંથી હટાવીને પરત કંપની નાઇટસ્કોપને મોકલી દેવાયો છે.

અત્યાધુનિક કેમેરા અને સેન્સર હોવા છતાં, આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે, એક રોબોટ ક્યારેય પણ માનવ પોલીસકર્મીની સૂઝબૂઝ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાની જગ્યા લઈ શકતો નથી.


આ પણ વાંચો - Surat : અડાજણ ચાર રસ્તા પાસે મેડિકલ સ્ટોરમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઈટરની 6 ગાડીઓએ મોરચો સંભાળ્યો