સુરત શહેરના અત્યંત વ્યસ્ત અને ધમધમતા અડાજણ વિસ્તારમાંથી આગની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અડાજણ ચાર રસ્તા પાસે આવેલી એક જાણીતી મેડિકલની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દવાનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારોમાં કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.


 6 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ સ્થળ પર

આગ લાગવાની આ ભયાનક ઘટનાની જાણ સ્થાનીય લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં સુરત ફાયર વિભાગની અલગ-અલગ સ્ટેશનથી 6 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના બહાદુર જવાનોએ પોઝિશન લઈને ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી.

હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી

દુકાનની અંદર રહેલી દવાઓ અને પ્લાસ્ટિકના સાધનોને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને રોકવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ મેડિકલ સ્ટોરમાં રાખેલો લાખો રૂપિયાની કિંમતી દવાઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

  • Follow us on: