સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી મોટી રકમ પડાવવા માટે ફિલ્મી સ્ટાઈલમાં પોતાના જ અપહરણનું ઘાતકી નાટક રચ્યું હતું. શેરબજારમાં થયેલી લાખો રૂપિયાની ખોટની ભરપાઈ કરવા માટે આ યુવકે આખું તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ સુરતની ઉત્રાણ પોલીસે કર્યો છે. પોલીસે આ યુવકને ગોધરાની એક હોટેલમાંથી સહીસલામત ઝડપી પાડ્યો છે.
હિન્દીમાં ધમકીભર્યો મેસેજ અને વીડિયો મોકલ્યો
મળતી માહિતી મુજબ, સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા જીગ્નેશ નામના યુવકે પોતાના જ પરિવારને ચોંકાવી દેતો એક હિન્દીમાં ધમકીભર્યો મેસેજ અને વીડિયો મોકલ્યો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, "જો 50 લાખ નહીં આપો તો યુવકની લાશ મળશે." આ ધમકીભર્યો વીડિયો જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તાત્કાલિક આ અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
ગોધરાની હોટેલમાંથી પોલ ખૂલી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્રાણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી કડીઓ મળી હતી અને જીગ્નેશનું લોકેશન પંચમહાલ જિલ્લાના ગોધરાની એક હોટેલમાં ટ્રેસ થયું હતું. પોલીસે ગોધરાની હોટેલમાં દરોડો પાડીને જીગ્નેશને સહીસલામત શોધી કાઢ્યો હતો.
તેને શેરબજારમાં ભારે ખોટ ગઈ હતી
પોલીસની કડક પૂછપરછમાં જીગ્નેશે પોતે જ આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. તેને શેરબજારમાં ભારે ખોટ ગઈ હતી અને દેવું વધી જતાં પૈસા ચૂકવવા માટે તેણે પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. નવાઈની વાત એ છે કે, જીગ્નેશે તેને કેવી રીતે બંધક બનાવવામાં આવ્યો હતો તેનો લાઈવ ડેમો પણ પોલીસ સમક્ષ કરીને બતાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી