સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મનપાના મેયરની ઓફિસમાં ઓફિશિયલ ઈ-મેલ દ્વારા આખી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા મેલને પગલે તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે અને તાબડતોબ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.


સવારે 11 વાગ્યે આવ્યો ધમકીભર્યો ઈ-મેલ

ઘટનાની મળતી વિગતો અનુસાર, બુધવારની સવારે બરાબર 11:00 કલાકે સુરત મનપા કચેરીમાં મેયરની ઓફિસના ઈ-મેલ આઈડી પર એક મેસેજ આવ્યો હતો, જેમાં પરિસરમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો. આ ગંભીર ઈ-મેલ વંચાતા જ તાત્કાલિક ધોરણે સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

પોલીસ, SOG અને બોમ્બ સ્ક્વોડનો કાફલો ઘટના સ્થળે

મેલની ગંભીરતા જોઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ઘટનાની ગણતરીની મિનિટોમાં જ સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતનો મોટો કાફલો SMC કચેરીએ દોડી આવ્યો હતો.

સમગ્ર પરિસર ખાલી કરાવી સઘન ચેકિંગ શરૂ

સુરક્ષાના આગોતરા પગલારૂપે પોલીસે તાત્કાલિક આખા SMC પરિસર અને ઓફિસોને ખાલી કરાવી દીધી હતી. કર્મચારીઓ અને મુલાકાતીઓને સુરક્ષિત બહાર કાઢીને કચેરીના ખૂણે-ખૂણામાં સ્નિફર ડોગ્સ અને મેટલ ડિટેક્ટરની મદદથી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં પણ પરિસરમાં ચેકિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે.


સાયબર ક્રાઇમ ટીમે તપાસનો દોર સંભાળ્યો

બીજી તરફ, આ ધમકીભર્યો ઈ-મેલ કોના દ્વારા અને ક્યાંથી મોકલવામાં આવ્યો છે, તેની ભાળ મેળવવા માટે સુરત સાયબર ક્રાઇમની ટીમને તપાસ સોંપી દેવામાં આવી છે. આઈપી એડ્રેસ ટ્રેસ કરીને ધમકી આપનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.


આ પણ વાંચો - Surat : ધોરણ-7ના વિદ્યાર્થીએ ધોરણ-6ના માસૂમ પર ઝીંક્યા છરીના ઘા, પોલીસ તપાસ શરૂ


  • Follow us on: