સુરત પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે આજથી ટેકનોલોજીના ક્ષેત્રે એક નવું પ્રકરણ શરૂ થયું છે.વાહનચાલકોની લાંબી આતુરતાનો અંત આણીને RTO ખાતે અત્યાધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયામાંથી વચેટિયાઓ પ્રથા દૂર કરવાનો અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે.આ નવી વ્યવસ્થાથી ટેસ્ટ આપવા આવતા અરજદારોને મોટી રાહત મળશે.


ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે કડક અને ડિજિટલ પ્રક્રિયા

આ નવી વ્યવસ્થા હેઠળ ટુવ્હીલરના અરજદારો માટે બે અલગ અલગ ટ્રેક શરૂ કરવામાં આવ્યા છે.જેથી એકસાથે બે ટેસ્ટ લઈ શકાશે અને લોકોનો સમય બચશે.આ સંપૂર્ણ પ્રક્રિયા AI બેઝ્ડ અને ડિસિઝન ડ્રિવન છે.ટ્રેક પર વાહનચાલકોની સુવિધા માટે ખાસ QR કોડ મૂકવામાં આવ્યા છે.જેને સ્કેન કરતા જ ટેસ્ટ કેવી રીતે આપવો તેનો ગાઇડન્સ વીડિયો જોઈ શકાશે.જો કે નિયમોમાં કડકાઈ પણ વધારવામાં આવી છે.જો કોઈ વાહનચાલક ટ્રેક પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે.તો AI સિસ્ટમ તેને તાત્કાલિક રિજેક્ટ કરી દેશે. ફોર વ્હીલર માટે કુલ 4 પ્રકારે ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટ એટલો સચોટ છે કે કોઈપણ એક સેગમેન્ટમાં અરજદાર ફેલ થશે તો આખો ટેસ્ટ ફેલ ગણવામાં આવશે. 

ટેસ્ટ પ્રક્રિયા વધુ ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનશે

હવે અરજદારોએ પરિણામ માટે રાહ નહીં જોવી પડે.ટેસ્ટ પૂરો થતાંની સાથે જ અરજદારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પાસ કે નાપાસનો લાઈવ SMS આવી જશે. આ ઉપરાંત ટ્રેક પર મૂકેલા મોટા ડિજિટલ બોર્ડ પર પણ કયા સેગમેન્ટમાં કેવું પ્રદર્શન રહ્યું તેનું સેગમેન્ટ વાઈઝ પરિણામ લાઈવ જોઈ શકાશે.અરજદારે જે દિવસની એપોઈન્ટમેન્ટ લીધી હશે તે જ દિવસે ટેસ્ટ આપવી પડશે.જો કોઈ કારણસર તે તારીખ વીતી જશે તો અરજદારે નવેસરથી જ એપોઈન્ટમેન્ટ બુક કરાવવી પડશે.આ આધુનિક સિસ્ટમથી સુરત RTOમાં ટેસ્ટ પ્રક્રિયા વધુ ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનશે.


આ પણ વાંચોઃ Weather Update: અલ નીનોને કારણે પાંચ દિવસ સુધી આગળ નહીં વધે ચોમાસું


  • Follow us on: