સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે હવે શાળાના વિદ્યાર્થીઓમાં વધતી ગુનાખોરીની એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલ બહાર કોઇ સ્થળે એક સગીર વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. ધોરણ 7 માં ભણતા એક વિદ્યાર્થીએ સામાન્ય બોલાચાલીમાં ધોરણ ૬ ના વિદ્યાર્થીને ચાકુના ઘા મારી દીધા હતા.


ધોરણ 6 ના વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો

મળતી વિગતો અનુસાર, આ લોહીયાળ ઘટના ઉધનાની શાળા ક્રમાંક 197 (ગુજરાતી માધ્યમ) અને શાળા ક્રમાંક 202 (મરાઠી માધ્યમ) ની છે. ગુજરાતી માધ્યમમાં ધોરણ 7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર મરાઠી માધ્યમના ધોરણ 6 ના વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો.

પોલીસ તપાસ શરુ

હુમલાના પગલે લોહીલુહાણ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ઘટના શાળાના કેમ્પસમાં નથી બની

બીજી તરફ આ ગંભીર ઘટના અંગે શાળા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે. શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર, "આ દુઃખદ ઘટના શાળાના કેમ્પસમાં નથી બની. શાળા છૂટ્યા બાદ બહાર ક્યાંક આ ઝઘડો થયો હતો, જેની જાણ અમને પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે." વધુમાં શાળાએ દાવો કર્યો છે કે, સ્કૂલમાં સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરાતી નથી. રોજ સવારે જ્યારે પણ વિદ્યાર્થીઓ શાળામાં આવે છે ત્યારે સૌપ્રથમ તેમના બેગનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને બેગ ચેક કર્યા પછી જ વર્ગખંડમાં પ્રવેશ અપાય છે.

 બાળમાનસ અને સુરક્ષા સામે મોટા સવાલો

જોકે, શાળા બહાર બનેલી આ ઘટનાએ બાળમાનસ અને સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ ઘટનાસ્થળના સીસીટીવી અને આસપાસના લોકોની પૂછપરછ કરીને હુમલા પાછળનું અસલ કારણ શોધવા મથી રહી છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી


  • Follow us on: