અમેરિકન શાળાઓમાં વધતી જતી ગોળીબારની ઘટનાઓ અને સુરક્ષાના પડકારોને પહોંચી વળવા માટે એક અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે. ઓસ્ટિન સ્થિત 'મિથ્રિલ ડિફેન્સ' કંપની દ્વારા ખાસ પ્રકારના ડ્રોન વિકસાવવામાં આવ્યા છે, જે શાળામાં હુમલાખોરની માહિતી મળ્યાની માત્ર 15 સેકન્ડની અંદર જ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી શકે છે. હાલમાં આ સુરક્ષા પ્રણાલીને જ્યોર્જિયાની પાંચ, ફ્લોરિડામાં ત્રણ અને કોલોરાડોની એક શાળામાં તૈનાત કરવાની યોજના છે.
ડ્રોનની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ રસપ્રદ
આ ડ્રોનની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ રસપ્રદ છે. શાળાના શિક્ષકો અને સ્ટાફને મોબાઈલ એપ્લિકેશન તેમજ વર્ગખંડમાં ખાસ 'પેનિક બટન' આપવામાં આવશે. જો કોઈ કટોકટી કે ધમકી ઊભી થાય, તો શિક્ષકો આ બટન દબાવીને ડ્રોનને તુરંત સક્રિય કરી શકશે. શાળાના કેમ્પસમાં વિવિધ જગ્યાએ છ ડ્રોન ધરાવતા બોક્સ સ્થાપિત કરવામાં આવશે, જેથી સૌથી નજીકનું ડ્રોન તાત્કાલિક ધમકીવાળા સ્થળે પહોંચી શકે. આ ડ્રોન ઇન્ડોર ૩૦ થી ૫૦ માઇલ પ્રતિ કલાક અને આઉટડોર 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. સંપૂર્ણ ચાર્જ થવા પર તે આશરે આઠ મિનિટ સુધી ઉડાન ભરી શકે છે અને તેને હજારો કિલોમીટર દૂર બેઠા ઓપરેટ કરી શકાય છે.
