અહેવાલો અનુસાર, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ગેરહાજરી બાદ દેશની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે વહીવટી સાતત્ય, રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારની કામગીરી ચાલુ રાખવા માટે આ પગલું જરૂરી છે.

ઓપરેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા

દાવાઓ મુજબ, નિકોલસ માદુરોને અમેરિકી દળો દ્વારા હાથ ધરાયેલા એક ઓપરેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે દેશની બંધારણીય ચેમ્બરે તાત્કાલિક વ્યવસ્થા તરીકે ડેલ્સી રોડ્રિગ્ઝને રાષ્ટ્રપતિની જવાબદારી સોંપી છે. ડેલ્સી રોડ્રિગ્ઝ માદુરો સરકારની સૌથી વિશ્વાસુ અને શક્તિશાળી નેતાઓમાંની એક રહી છે. માદુરોએ તેમને ઘણી વખત “સિંહણ” કહીને સંબોધી છે, જે તેમની લડાયક અને અડગ રાજકીય શૈલી દર્શાવે છે.

ડેલ્સી રોડ્રિગ્ઝની વ્યક્તિગત અને રાજકીય પૃષ્ઠભૂમિ

ડેલ્સી રોડ્રિગ્ઝનો જન્મ 18 મે 1969ના રોજ કારાકાસમાં થયો હતો. તેઓ ડાબેરી વિચારધારા ધરાવતા ક્રાંતિકારી નેતા જોર્જ એન્ટોનિયો રોડ્રિગ્ઝની પુત્રી છે. તેમના ભાઈ જોર્જ રોડ્રિગ્ઝ પણ વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના મહત્વપૂર્ણ નેતા છે. ડેલ્સી રોડ્રિગ્ઝે પોતાની રાજકીય કારકિર્દીમાં અનેક મોટા હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ સંદેશાવ્યવહાર અને માહિતી મંત્રી, વિદેશ મંત્રી, બંધારણ સભાના વડા અને ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે. 2018માં ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે દેશના આર્થિક અને રાજકીય નિર્ણયો પર મોટો પ્રભાવ જાળવી રાખ્યો.

અર્થતંત્ર અને તેલ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા

તાજેતરના વર્ષોમાં ડેલ્સી રોડ્રિગ્ઝે નાણાં અને તેલ મંત્રાલયની જવાબદારી પણ સંભાળી છે. અમેરિકી પ્રતિબંધો વચ્ચે વેનેઝુએલાના તેલ ઉદ્યોગને સંભાળવો તેમની માટે મોટો પડકાર રહ્યો છે. અતિ મોંઘવારી સામે લડવા માટે તેમણે તુલનાત્મક રીતે રૂઢિચુસ્ત આર્થિક નીતિઓ અપનાવી હતી અને ખાનગી ક્ષેત્ર સાથે સંવાદ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

વર્તમાન સંકટમાં ભૂમિકા

વર્તમાન રાજકીય સંકટ વચ્ચે, ડેલ્સી રોડ્રિગ્ઝે એક ઓડિયો સંદેશ દ્વારા નિકોલસ માદુરો અને તેમની પત્ની જીવંત હોવાના પુરાવાની માંગ કરી હોવાનું જણાવાયું છે. આ તમામ ઘટનાઓ વચ્ચે, ડેલ્સી રોડ્રિગ્ઝ આજે વેનેઝુએલાની રાજનીતિમાં સૌથી શક્તિશાળી અને ચર્ચાસ્પદ નામ બની ગઈ છે.

આ પણ વાંચો : US Action : અમેરિકાનો વેનેઝુએલા પર મોટો હુમલો, રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ, ન્યૂ યોર્ક લવાયાw