જેપી મોર્ગન (JP Morgan) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેમી ડિમોને અમેરિકાને રશિયન તેલની ખરીદી પર ભારે ટેરિફ લાદતા પહેલા ગંભીરતાથી વિચારવા ચેતવણી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર નવા પ્રતિબંધોના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપવામાં આવી છે. આ નિર્ણયથી ભારત અને ચીન જેવા દેશો પ્રભાવિત થઈ શકે છે.

ભારતીય રિફાઇનરીઓ અને વૈશ્વિક બજાર પર અસરની આશંકા

મુંબઈમાં યોજાયેલી જેપી મોર્ગન ઇન્ડિયા ઇન્વેસ્ટર કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં જેમી ડિમોને જણાવ્યું હતું કે અમેરિકાએ કડક પગલાં લેતા પહેલા એ સમજવું જરૂરી છે કે ભારતીય રિફાઇનરીઓ રશિયન ક્રૂડ ઓઇલનો ઉપયોગ કેવી રીતે કરે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોઈપણ પ્રકારના દંડ કે ટેરિફ લાદતા પહેલા ભારતીય અર્થવ્યવસ્થા, વૈશ્વિક તેલ બજાર, તેલના ભાવ અને ભારત-અમેરિકાના આર્થિક સંબંધો પર તેની શું અસર પડશે તેનું આકલન કરવું અનિવાર્ય છે.

રશિયન તેલના વિકલ્પની મર્યાદાઓ

ડિમોને સમજાવ્યું કે જો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે, તો તેણે વૈશ્વિક બજારમાંથી અન્ય સ્ત્રોતો તરફ વળવું પડશે. પરંતુ દુનિયાના તમામ પ્રકારના ક્રૂડ ઓઇલ એકસરખા હોતા નથી. ભારતીય રિફાઇનરીઓની ટેક્નોલોજી ચોક્કસ પ્રકારના ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેથી, રશિયન તેલની જગ્યાએ તાત્કાલિક ધોરણે બીજા દેશોનું તેલ વાપરવું સરળ નથી અને તે ભારતના ઉર્જા પુરવઠાને અસ્થિર કરી શકે છે.

વૈશ્વિક મોરચે કિંમતો વધવાની ચેતવણી

ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ આયાતકારોમાં સામેલ છે અને રશિયન તેલ તેના આયાત સપ્લાયનો મોટો હિસ્સો ધરાવે છે. ડિમોનના મતે, રશિયન ઉર્જા વ્યવસાય સામે અવિચારી પગલાં લેવાથી માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે અને તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. યુક્રેનને મદદ કરવી જરૂરી હોવા છતાં, ઉર્જા ક્ષેત્રે પ્રતિબંધો મૂકતી વખતે તેના વ્યાપક વૈશ્વિક પરિણામોને અવગણી શકાય નહીં. અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ગટબડ ટાળવા માટે અમેરિકા અને ભારતે પરસ્પર વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ.

આ પણ વાંચોઃ Sri Lanka: 270 લોકોના મોતનો બદલો 200 વર્ષ જેલની સજાથી, શ્રીલંકાની ઇસ્ટર બોમ્બ વિસ્ફોટની જોરદાર કહાની