ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધોમાં મોટી હલચલ જોવા મળી રહી છે. અમેરિકી સરકારે ભારતમાંથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર 25 ટકાનો નવો ટેરિફ (આયાત વેરો) લગાવવાની જાહેરાત કરી છે.
આ ટેરિફ 25 નવેમ્બર 2026થી લાગુ કરવામાં આવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે ભારતની એવી નીતિઓના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે, જે અમેરિકી વેપાર પર બોજ વધારે છે અથવા તેને મર્યાદિત કરે છે.
અમેરિકાએ જે 14 અર્થતંત્રો સામે આ કાર્યવાહી કરી છે, તેમાં ભારત પર બીજા ક્રમનો સૌથી વધુ ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ યાદીમાં વિયેતનામ પર સૌથી વધુ 35 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં થોડી રાહતની જોગવાઈ પણ કરવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર વેપાર (Reciprocal Trade) અંગે કોઈ સમજૂતી થાય તો ભારત પરનો ટેરિફ ઘટાડીને 17 ટકા સુધી લાવી શકાય છે.
25 ટકાનો નવો ટેરિફ અગાઉથી લાગુ 10 ટકાના ટેરિફ ઉપરાંત અલગથી ઉમેરવામાં આવશે નહીં. અમેરિકાના આદેશ બાદ ભારતે પણ તાત્કાલિક ધ્યાન દોર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે USTRની નોટિસની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન ક્ષમતાનો આરોપ ભારતે નકાર્યો
ભારતના વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન ભારતે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. ભારતે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ ક્ષેત્રમાં સ્ટ્રક્ચરલ એક્સેસ કેપેસિટી એટલે કે જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન ક્ષમતાની સમસ્યા નથી.
ભારતનું કહેવું છે કે વેપાર સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત દ્વારા જ લાવવો જોઈએ. ફેબ્રુઆરી 2026માં થયેલા કરારને વહેલી તકે પૂર્ણ કરવા માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે.
અમેરિકાએ ટેરિફનું દબાણ કેમ વધાર્યું?
USTRએ માર્ચ 2026માં અમેરિકાના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ ભારત સહિત અનેક દેશો સામે બે અલગ-અલગ તપાસ શરૂ કરી હતી. પ્રથમ તપાસ ફોર્સ્ડ લેબર એટલે કે બળજબરીથી કરાવવામાં આવતા શ્રમ સાથે સંબંધિત હતી. ત્યારબાદ ભારત પર 10 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો હતો.
હવે જાહેર કરવામાં આવેલો 25 ટકાનો ટેરિફ બીજી તપાસનું પરિણામ છે. આ તપાસનું મુખ્ય કેન્દ્ર સ્ટ્રક્ચરલ એક્સેસ કેપેસિટી એટલે કે જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન ક્ષમતા હતું.
અમેરિકા તમામ દેશોમાંથી આયાત થતા એલ્યુમિનિયમ અને સ્ટીલ પર અગાઉથી જ 50 ટકા ટેરિફ વસૂલી રહ્યું છે. જોકે, નવા ટેરિફને આ વેરા સાથે ઉમેરવામાં આવશે નહીં.
રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100 ટકા સુધી ટેરિફ લગાવવાની જોગવાઈ ધરાવતા કાયદાને ટ્રમ્પે હાલમાં અટકાવી રાખ્યો છે.
ભારત પર ચીન અને યુરોપ કરતાં પણ વધુ ટેરિફ
USTRના અહેવાલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતની વેપાર નીતિઓ અમેરિકી ઉત્પાદકો અને નિકાસકારોને સતત નુકસાન પહોંચાડી રહી છે. ભારતની આ નીતિઓને કારણે અમેરિકાની વેપાર ખાધ (Trade Deficit) વધી રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
ભારત પર લગાવવામાં આવેલો 25 ટકાનો ટેરિફ અન્ય ઘણા મોટા દેશોની સરખામણીએ વધારે છે. અમેરિકાએ જાપાન, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ, તાઇવાન અને યુરોપિયન યુનિયન પર 15 ટકા ટેરિફ લગાવ્યો છે. જ્યારે ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ પર 18 ટકા ટેરિફ લાગુ કર્યો છે. બીજી તરફ બાંગ્લાદેશ, કંબોડિયા, ચીન અને સિંગાપોર પર 20 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે.
આ સ્થિતિમાં હવે ભારત અને અમેરિકા વચ્ચે થનારી વેપાર સમજૂતી પર સૌની નજર છે. જો બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થાય તો ભારતને ટેરિફમાં રાહત મળવાની શક્યતા છે.
