અમેરિકાની યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતનો એક એવો નકશો શેર કરવામાં આવ્યો હતો, જેણે વૈશ્વિક સ્તરે રાજદ્વારી ચર્ચાઓ છેડી દીધી છે. આ નકશામાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) અને ચીન દ્વારા કબજે કરાયેલા અક્સાઈ ચીનને ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ટૂંક સમયમાં જ અમેરિકાએ આ પોસ્ટ હટાવીને 'યુ-ટર્ન' લીધો છે.

USTR એ 'X'પર ભારતનો નકશો મૂક્યો

ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વચગાળાના વેપાર કરારની જાહેરાત કરવામાં આવી હતી. આ કરાર હેઠળ, અમેરિકાએ ભારતીય માલસામાન પરના ટેરિફને 50% થી ઘટાડીને 18% કરવાની જાહેરાત કરી છે, જે એશિયાઈ દેશોમાં સૌથી ઓછો દર છે. આ ઐતિહાસિક જાહેરાતની વિગતો શેર કરતી વખતે USTR એ 'X'પર ભારતનો નકશો મૂક્યો હતો.

નકશામાં શું ખાસ હતું?

સામાન્ય રીતે, અમેરિકાના સત્તાવાર નકશાઓમાં PoK અને અક્સાઈ ચીનને વિવાદિત વિસ્તારો તરીકે અલગ રીતે દર્શાવવામાં આવે છે અથવા પાકિસ્તાન-ચીનના દાવાઓને ધ્યાનમાં રાખીને ચિહ્નિત કરવામાં આવે છે. પરંતુ, USTR ની આ પોસ્ટમાં ભારતની સરહદોને એવી રીતે દર્શાવવામાં આવી હતી જે ભારત સરકારના સત્તાવાર નકશા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી હતી. આમાં કોઈ પણ વિવાદિત રેખા વગર સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો હતો.

વિવાદ અને પોસ્ટ હટાવવાનું કારણ

આ નકશો વાયરલ થતા જ ભારતભરમાં સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેને આવકારવામાં આવ્યો હતો. લોકો તેને અમેરિકાની બદલાતી વિદેશ નીતિ અને ભારત પ્રત્યેના મજબૂત સમર્થન તરીકે જોઈ રહ્યા હતા. બીજી તરફ, પાકિસ્તાન અને ચીન માટે આ સ્થિતિ હેરાન કરવા હતી કારણ કે તે તેમના પ્રાદેશિક દાવાઓને નકારતી હતી.

સ્પષ્ટતા આપ્યા વગર તે પોસ્ટ ડિલીટ કરી

વધતી જતી અટકળો અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે, USTR એ કોઈ પણ સત્તાવાર સ્પષ્ટતા આપ્યા વગર તે પોસ્ટ ડિલીટ કરી દીધી છે. નિષ્ણાતો માને છે કે આ કદાચ ગ્રાફિક ડિઝાઇનની ભૂલ હોઈ શકે છે, કારણ કે અમેરિકાની સત્તાવાર વિદેશ નીતિમાં કાશ્મીર અંગેના નકશામાં હજુ સુધી કોઈ લેખિત ફેરફાર જાહેર કરવામાં આવ્યો નથી.

ભારતનું વલણ

ભારત સરકાર અને વિદેશ મંત્રાલય (MEA) હંમેશા આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે. ભારતનું સ્પષ્ટ માનવું છે કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, PoK અને અક્સાઈ ચીન ભારતનો અભિન્ન ભાગ છે. વિશ્વની અન્ય એજન્સીઓ જ્યારે ભારતનો અધૂરો નકશો બતાવે છે, ત્યારે ભારત હંમેશા સખત વાંધો નોંધાવતું આવ્યું છે. ભલે અમેરિકાએ પોસ્ટ હટાવી દીધી હોય, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કાશ્મીર મુદ્દે વૈશ્વિક સંવેદનશીલતાને સપાટી પર લાવી દીધી છે.

આ પણ વાંચોઃ Jeffrey Epstein : એપ્સ્ટેઇન કેસમાં મોટું પગલું, અનએડિટેડ દસ્તાવેજો હવે કાયદા ઘડનારાઓ માટે ખુલ્લા