મેક્સિકોના સૌથી કુખ્યાત અને શક્તિશાળી ડ્રગ કાર્ટેલ 'જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ'ના પ્રમુખ નેમેસિયો 'એલ મેન્ચો' ના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ મેક્સિકોમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારોમાં ફાટી નીકળેલી હિંસાને જોતા અમેરિકાએ તાત્કાલિક અસરથી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.

એન્કાઉન્ટરની ઘટના અને એલ મેન્ચોનો અંત

રવિવારે મેક્સિકન સુરક્ષા દળોએ એક ગુપ્ત માહિતીના આધારે જાલિસ્કો રાજ્યના તાપલપા વિસ્તારમાં ઘેરાબંદી કરી હતી. આ ઓપરેશન દરમિયાન લશ્કરી દળો અને કાર્ટેલ સભ્યો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. આ અથડામણમાં ચાર કાર્ટેલ સભ્યો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે મેક્સિકોનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ લોર્ડ એલ મેન્ચો ગંભીર રીતે ઘાયલ થયો હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેણે દમ તોડ્યો હતો. આ સૈન્ય કાર્યવાહીમાં ત્રણ મેક્સિકન સૈનિકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

શહેરોમાં અરાજકતા અને ફ્લાઇટ્સ રદ

એલ મેન્ચોના મોતના સમાચાર ફેલાતા જ તેના કાર્ટેલના સભ્યોએ રસ્તાઓ પર ઉતરી આવી આતંક મચાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ગુઆડાલજારા અને પ્યુઅર્ટો વલ્લાર્ટા જેવા પ્રવાસી શહેરોમાં સ્થિતિ વધુ નાજુક છે. હિંસાના ડરથી ઘણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ટેક્સી અને રાઇડ-શેરિંગ (Uber/Lyft) સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક બજારો અને મોટા વેપાર ગૃહોએ સુરક્ષાના કારણોસર કામકાજ અટકાવી દીધું છે.

અમેરિકાની 'શેલ્ટર-ઇન-પ્લેસ' એડવાઇઝરી

અમેરિકી વિદેશ મંત્રાલયે મેક્સિકોમાં રહેતા પોતાના નાગરિકો માટે 'જગ્યા પર જ આશ્રય લેવા' (Shelter-in-place) ના નિર્દેશ આપ્યા છે. અમેરિકાએ પાંચ મુખ્ય રાજ્યો જાલિસ્કો, તામૌલિપાસ, મિચોઆકન, ગુરેરો અને નુએવો લિયોન માટે વિશેષ સાવચેતી રાખવા જણાવ્યું છે. નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા, બિન-આવશ્યક મુસાફરી ટાળવા અને સતત સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચોઃ Americaના પૂર્વોત્તર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં શક્તિશાળી બરફનું તોફાન ત્રાટક્યું