ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશનના અમલીકરણને વધુ કડક બનાવવાના હેતુથી એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકાએ વિશ્વભરના અરજદારો માટે વિઝા એપોઇન્ટમેન્ટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. 

 નવી વૈશ્વિક તાલીમ પહેલ શરૂ કરાઇ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ મંગળવારે સત્તાવાર રીતે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વભરના તમામ યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સમાં એક નવી વૈશ્વિક તાલીમ પહેલ શરૂ કરવામાં આવી છે. આ તાલીમ પ્રક્રિયાને સફળતાપૂર્વક સમાયોજિત કરવા અને લાગુ કરવા માટે હાલની વિઝા સેવાઓની એપોઇન્ટમેન્ટ્સને રદ કરીને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી રહી છે. જે અરજદારોની એપોઇન્ટમેન્ટ્સ પ્રભાવિત થઈ છે તેમને આગામી સમયમાં નવી તારીખો ફાળવવામાં આવશે.

ઇમિગ્રેશન નિયમોનું કડક પાલન કરવા આક્રમક ઝુંબેશ

હાલમાં ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અને ઇમિગ્રેશન નિયમોનું કડક પાલન કરાવવા માટે અત્યંત આક્રમક ઝુંબેશ ચલાવી રહ્યું છે. આ કડક કાર્યવાહીના ભાગરૂપે વિઝા તથા ગ્રીન કાર્ડ રદ કરવા અને વિવિધ કારણોસર અરજીઓ નકારવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ખાસ કરીને રાજકીય વિચારો ધરાવતા લોકો તેમજ ગાઝા પર યુએસના સહયોગી ઇઝરાયલના આક્રમણ સામે પેલેસ્ટિનિયન તરફી વિરોધ પ્રદર્શનોમાં સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

કાયદાકીય અવરોધો અને તાલીમનો હેતુ

વહીવટીતંત્રના અધિકારીઓનો દાવો છે કે આ કડક કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે. જો કે, આ નીતિઓને અનેક કાનૂની અવરોધોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં શુક્રવારે જ એક યુએસ જજે ટ્રમ્પ વહીવટીતંત્રની તે નીતિને રદ કરી દીધી હતી, જેમાં 75 દેશોના અરજદારોને ઇમિગ્રન્ટ વિઝા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકારની નીતિ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના કાનૂની અધિકારક્ષેત્રની બહાર છે.

અપોઇન્ટમેન્ટ લીધેલા લોકોને નવી તારીખો અપાશે

મીડિયા રિપોર્ટના અહેવાલો અનુસાર, સ્ટેટ ડિપાર્ટમેન્ટે તાલીમના સમય વિશે વિગતવાર માહિતી આપી નથી, પરંતુ એટલું સ્પષ્ટ કર્યું છે કે આ તાલીમનો મુખ્ય હેતુ કોન્સ્યુલર અધિકારીઓને એવા અરજદારોની ઓળખ કરવામાં મદદ કરવાનો છે જેઓ ભવિષ્યમાં યુએસ સરકારી સહાય કે સુવિધાઓ પર નિર્ભર બનવાની સંભાવના ધરાવતા હોય. આનાથી સમગ્ર વિશ્વમાં વિઝા અરજદારોનું મૂલ્યાંકન એકસરખી રીતે અને યોગ્ય ધોરણે થઈ શકશે. જે લોકોએ અગાઉથી ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યુ માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી તેમને ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં તેમને નવી તારીખો મોકલવામાં આવશે.

આ પણ વાંચોઃ Hormuz Dispute : ટ્રમ્પ હજુ વિચારતા જ રહ્યા અને ઇરાન-ઓમાને મળીને હોર્મુઝ માટે બનાવી દીધો પ્લાન!