અમેરિકામાં આગામી નવેમ્બર ૨૦૨૬ની મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં મતદાર યાદી ઓડિટને લઈને રાજકીય વિવાદ તીવ્ર બની ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદીમાં સામેલ નાગરિકોની નાગરિકતાની ચકાસણી કરવામાં આવી રહી છે, જેના કારણે આશરે ૨૦૦,૦૦૦ જેટલા ભારતીય મૂળના મતદારોના નામ યાદીમાંથી કમી થઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ અનુમાન સાચું સાબિત થાય, તો તે માત્ર ભારતીય-અમેરિકન સમુદાયને જ નહીં પરંતુ સમગ્ર અમેરિકી રાજકારણના સમીકરણોને પણ મોટો આંચકો આપી શકે છે.

માત્ર પાત્ર અને કાયદેસર નાગરિકોના જ નામ 

ટ્રમ્પ વહીવટીતંત્રનો તર્ક છે કે મતદાર યાદીમાં માત્ર પાત્ર અને કાયદેસર નાગરિકોના જ નામ હોવા જોઈએ. આ માટે 'SAVE' નામના સરકારી ડેટાબેઝનો ઉપયોગ કરીને નાગરિકતા અને ઇમિગ્રેશન માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે, આ પ્રણાલી સામે મોટી ચિંતા એ વ્યક્ત થઈ રહી છે કે વર્ષો પહેલા અમેરિકી નાગરિક બની ચૂકેલા ભારતીય મૂળના લોકોના જૂના કે અધૂરા સરકારી રેકોર્ડ્સને કારણે તેમને વિદેશી ગણી લેવામાં આવી શકે છે. સરકારી ડેટાબેઝ સાથે માહિતીનો પૂરો મેલ ન ખાવાના કારણે ઘણા લાયક મતદારોને પોતાની નાગરિકતા સાબિત કરવા માટે વધારાના દસ્તાવેજો રજૂ કરવાની કાનૂની અડચણોનો સામનો કરવો પડી શકે છે.

૨,૦૦,૦૦૦ નામો હટાવવાનો આંકડો આવ્યો સામે

અમેરિકી રાજકારણમાં ભારતીય-અમેરિકન મતદારોનું વજન ઘણું મોટું છે. તાજેતરની ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણીના આંકડાઓ અનુસાર, લગભગ ૬૫ ટકા ભારતીય-અમેરિકન મતદારોએ ડેમોક્રેટિક પાર્ટીને સમર્થન આપ્યું હતું. જો ચકાસણીની આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભારતીય મતદારોના નામ કમી કરવામાં આવે, તો ડેમોક્રેટિક પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે, ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે કાંટે કી ટક્કર રહે છે. જો કે, ૨,૦૦,૦૦૦ નામો હટાવવાનો આ આંકડો હાલમાં એક રિપોર્ટની શંકા પર આધારિત છે અને તેની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.

યુએસની પ્રક્રિયા ભારત કરતા અલગ

આ સમગ્ર પ્રક્રિયા ભારતની ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાતી એસઆઈઆર (SIR) અને મતદાર યાદી પુનરાવર્તન જેવી પ્રક્રિયાઓથી અલગ છે. અમેરિકામાં કેન્દ્રીય ચૂંટણી પંચ ન હોવાથી ચૂંટણીઓનું સંચાલન રાજ્યો દ્વારા થાય છે, જેના નિયમો પણ અલગ છે. આગામી નવેમ્બર ૨૦૨૬માં યોજાનારી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની મધ્યસત્ર ચૂંટણીઓ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાની છે, જેના કારણે આ ઓડિટ પ્રક્રિયાએ ભારે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચોઃ ચારધામ યાત્રા માટે ખુશખબર! હવે ઘરે બેઠા બુક કરો કેદારનાથની હેલિકોપ્ટર ટિકિટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા