યુનાઇટેડ સ્ટેટ્સમાં વિઝા, ગ્રીન કાર્ડ કે વર્ક પરમિટ મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ, લાંબી અને કાગળકામથી ભરેલી હોય છે. આ જ જટિલતાનો ફાયદો ઉઠાવીને કેટલાક ઠગ અને ફ્રોડ કંપનીઓ અરજદારોને નિશાન બનાવી રહી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા એક કડક ચેતવણી જારી કરવામાં આવી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે જે કંપનીઓ કે વેબસાઇટ્સ ફી લઈને ઝડપથી વિઝા કે ગ્રીન કાર્ડ અપાવવાની ગેરંટી આપે છે, તેઓ સંપૂર્ણપણે છેતરપિંડી કરનારા હોઈ શકે છે.
છેતરપિંડીથી બચો
છેતરપિંડી કરનારાઓ સામાન્ય રીતે પોતાને મોટા ઇમિગ્રેશન નિષ્ણાતો તરીકે રજૂ કરે છે અથવા સરકાર સાથે ખાસ સંબંધો હોવાનો ખોટો દાવો કરે છે. તેઓ અરજદારોની મજબૂરીનો લાભ લઈને તેમની પાસેથી મોટી રકમ વસૂલે છે અને વહેલી તકે વિઝા અપાવવાનું વચન આપે છે. USCIS એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અરજદારોએ આવા કોઈપણ ભ્રામક દાવાઓ અને વચનોના ચક્કરમાં ન આવવું જોઈએ.
