મધ્ય પૂર્વના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 'હોર્મુઝ સ્ટ્રેટ'ને સુરક્ષિત અને ખુલ્લું રાખવા માટે અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા બહુ-રાષ્ટ્રીય સૈન્ય ગઠબંધનના પ્રયાસો વચ્ચે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા ભારત પર આ મિશનમાં સૈનિકો તૈનાત કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ નવી દિલ્હીએ સ્પષ્ટ શબ્દોમાં સૈનિકો મોકલવાનો ઇનકાર કર્યો છે. ભારતનું માનવું છે કે પ્રાદેશિક તણાવનો ઉકેલ લશ્કરી હસ્તક્ષેપથી નહીં, પરંતુ રાજદ્વારી વાતચીત અને સંવાદ દ્વારા જ શક્ય છે.
16 જૂને યોજાશે મહત્વપૂર્ણ બેઠક
આ મુદ્દે આગામી 16 જૂને ફ્રાન્સના એવિયન-લે-બેન્સ શહેરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેમાં ઈરાન સાથેની સ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ભારત ઉપરાંત અમેરિકા, ઇજિપ્ત, કતાર, યુએઈ અને સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસે છે, જ્યાં તેઓ G7 સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ મંચ પરથી પીએમ મોદી મધ્ય પૂર્વની સુરક્ષા અને ઈરાન જેવા પ્રાદેશિક મુદ્દાઓ પર ભારતનું પક્ષ રજૂ કરશે.










