15 જૂનના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં એક હૃદયદ્રાવક સૈન્ય વિમાન દુર્ઘટના સર્જાઈ છે. લોસ એન્જલસથી લગભગ ૯૫ કિલોમીટર ઉત્તરે આવેલા એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર યુએસ એરફોર્સનું અત્યંત શક્તિશાળી ગણાતું B-52 બોમ્બર વિમાન ટેકઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ ૮ સૈન્ય જવાનોના કરુણ મોત નિપજ્યા છે.


ટેકઓફ કર્યાના થોડીક મિનિટ બાદ બની ઘટના

એરફોર્સ બેઝના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વિમાન સવારે 11.20 વાગ્યે તેના નિયમિત પરીક્ષણ મિશન માટે રવાના થયું હતું. ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં વિમાન નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને નીચે પછડાયું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળના એરિયલ ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે વિમાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે, માત્ર રાખ અને કાટમાળ જ બાકી રહ્યા છે. આ ઘટનાને પગલે એડવર્ડ્સ એરફોર્સ બેઝને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે અને આવનારા તમામ વિમાનોને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

B-52 બોમ્બરની વિશેષતા

B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ એ અમેરિકાનું એક વિશાળ અને અત્યંત શક્તિશાળી લાંબા અંતરનું બોમ્બર વિમાન છે, જેણે પ્રથમવાર ૧૯૫૪માં ઉડાન ભરી હતી. શીતયુદ્ધના સમયથી કાર્યરત આ વિમાનને સમય જતાં સતત આધુનિક બનાવવામાં આવ્યું છે. ૧૮૫ ફૂટની પાંખો ધરાવતું આ વિમાન પરમાણુ શસ્ત્રો, બોમ્બ અને ક્રુઝ મિસાઈલ સહિતના શક્તિશાળી હથિયારો લઈ જવામાં સક્ષમ છે. સામાન્ય રીતે ૫ ક્રૂ મેમ્બર્સ દ્વારા સંચાલિત આ વિમાન કોમ્બેટ મોડમાં ૮,૮૦૦ માઈલ સુધી ઉડાન ભરી શકે છે. વિયેતનામ યુદ્ધથી લઈને ઈરાક, અફઘાનિસ્તાન અને તાજેતરની કામગીરીઓમાં આ બોમ્બર અમેરિકાનું મુખ્ય શસ્ત્ર રહ્યું છે.

અમેરિકન સૈન્ય માટે મોટો ફટકો

આ દુર્ઘટના અમેરિકન સૈન્ય માટે મોટો ફટકો છે. એક પ્રશિક્ષિત ક્રૂ અને આટલા મોટા વ્યૂહાત્મક એસેટને ગુમાવવું એ ગંભીર ચિંતાનો વિષય છે. હાલમાં ઘટનાસ્થળે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈનાત છે અને મૃતકોની ઓળખ તથા અકસ્માતનું કારણ શોધવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શું યુદ્ધનો અંત માત્ર કાગળ પર જ? અમેરિકા ઇરાન સમજૂતી પર શું બોલ્યા નેતન્યાહૂ ?

  • Follow us on: