વિયેતનામના ફુ ક્વોક ટાપુ પર તાજેતરમાં બનેલી એક દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. લાવા મોબાઈલ્સના 15 ડીલરો અને કર્મચારીઓની ઇન્સેટિવ ટ્રિપનો અંત અત્યંત કરુણ રીતે આવ્યો. ઉત્તમ કામગીરીના બદલામાં મળેલી આ ખુશીની યાત્રા થોડી જ ક્ષણોમાં કાળમુખી બની ગઈ.

ઘટના કેવી રીતે ઘટી?

ગત શનિવારે, 11 જુલાઈના રોજ પ્રવાસીઓથી ભરેલી એક બોટ દરિયામાં પ્રવાસ કરી રહી હતી. દરિયાકિનારાથી લગભગ ૨ કિલોમીટર દૂર પહોંચતા જ સમુદ્રમાં એક પ્રચંડ મોજું આવ્યું, જેની ટક્કરથી બોટનું સંતુલન બગડ્યું અને તે એક તરફ નમીને પલટી ગઈ. અકસ્માતમાંથી બચી ગયેલા મુસાફરોના જણાવ્યા અનુસાર, બોટ પલટતા જ અફરાતફરી મચી ગઈ હતી. જે લોકો બારી કે રેલિંગ પાસે હતા તેઓ કોઈક રીતે બચી શક્યા, પરંતુ 15 કમનસીબ ભારતીયો ઊંડા દરિયામાં ડૂબી ગયા.
https://twitter.com/LavaMobile/status/2075970636728680896

મૃતકોની ઓળખ અને વિગતો

મૃતકોમાં 14 ડીલરો-વિતરકો અને એક કર્મચારીનો સમાવેશ થાય છે. સરકારી યાદી મુજબ, આ દુર્ઘટનામાં તમિલનાડુના 10, આંધ્રપ્રદેશના 3 અને કેરળના 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તમિલનાડુના જે. સેન્થિલ કુમાર, એ. મુરુગા પ્રભુ, એસ. શ્રીધર, શેખ અબ્દુલ્લા સહિત અન્ય લોકોના નામ સામેલ છે. કેરળના એ.સી. થોમસ અને તેમની પત્ની લવનીનું પણ આ અકસ્માતમાં નિધન થયું છે, જેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

કંપની અને તંત્રની કાર્યવાહી

લાવા મોબાઈલ્સે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે તેઓ વિયેતનામમાં ભારતીય દૂતાવાસ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહી છે અને પીડિત પરિવારોને કંપની દ્વારા તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

શોકની લહેર ફેલાઇ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને 'હૃદયદ્વાવક' ગણાવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાહુલ ગાંધીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક આનંદદાયક સફર માટે ગયેલા આ લોકો જ્યારે મૃતદેહ બનીને પાછા ફરશે, ત્યારે તે દ્રશ્ય અત્યંત કરુણ હશે. આ ઘટનાએ પ્રવાસ દરમિયાન સુરક્ષાના મહત્વ પર પણ અનેક સવાલો ઉભા કર્યા છે. સમગ્ર દેશ આ પીડિત પરિવારો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ Bank Holiday: બેંકના કામ પતાવી લેજો, આવતા અઠવાડિયે બેંકોમાં રજાઓનો માહોલ!