રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ ફરી વધી રહ્યો છે. રશિયાએ શનિવારે કહ્યું કે તે કિવ સહિત યુક્રેનના અન્ય શહેરો પર મોટા પાયે જવાબી હુમલા ચાલુ રાખશે. આ સાથે રશિયન વિદેશ મંત્રાલયે વિદેશી નાગરિકો અને રાજદ્વારીઓને કિવ છોડવાની ચેતવણી આપી છે. રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે યુક્રેન તરફથી રશિયાની નાગરિક વસ્તી અને નાગરિક માળખા સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીના જવાબમાં રશિયન સેના કિવ અને અન્ય શહેરોમાં લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી રહી છે.
વિદેશી રાજદ્વારીઓને શહેર છોડવા કહ્યું
રશિયન વિદેશ મંત્રાલયે ફરી એકવાર વિદેશી નાગરિકો, જેમાં રાજદ્વારી મિશનના કર્મચારીઓ પણ સામેલ છે, તેમને યુક્રેનમાં રહેવા અથવા ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે જે લોકો આ સૂચનને અવગણશે અને ત્યારબાદ કોઈ નુકસાન થશે તો તેની જવાબદારી તેમની પોતાની રહેશે. રશિયાએ અગાઉ પણ આવી ચેતવણી આપી હતી, પરંતુ ઘણા વિદેશી દૂતાવાસો હજુ કિવમાં કાર્યરત છે.
કિવમાં બ્રિજ પર હુમલો
રશિયાની આ નવી ચેતવણી એવા સમયે આવી છે જ્યારે કિવમાં મહત્વના માળખા પર હુમલા થયા છે. શનિવારે રશિયન હુમલામાં ડિનિપ્રો નદી પર આવેલા કિવના નોર્ધર્ન બ્રિજને નુકસાન થયું. હુમલામાં 2 લોકો ઘાયલ થયા હોવાનું યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું છે. આ છેલ્લા 2 દિવસમાં કિવના મહત્વના બ્રિજ પર થયેલો બીજો હુમલો છે. હુમલાને કારણે રસ્તા અને ટ્રોલીબસની વીજ લાઇનોને નુકસાન થયું અને ટ્રાફિક પર પણ અસર પડી.
30 લાખ વસ્તી ધરાવતા શહેરમાં મુશ્કેલી વધી
કિવમાં લગભગ 30 લાખ લોકો રહે છે. રશિયાના વધતા ડ્રોન અને મિસાઇલ હુમલાને કારણે શહેરમાં સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે અને હુમલાના એલર્ટ વચ્ચે લોકોને વારંવાર સુરક્ષિત સ્થળોએ જવું પડે છે. હાલમાં ઠંડીની સિઝન શરૂ થવાની તૈયારી વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાએ યુક્રેન માટે વીજળી અને ગરમીની વ્યવસ્થાને લઈને પણ ચિંતા વધારી છે.
દૂતાવાસો કિવ છોડશે?
રશિયાની ચેતવણી બાદ દૂતાવાસોને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, યુક્રેનના વિદેશ મંત્રાલયે 2 ઓક્ટોબરે જણાવ્યું હતું કે કોઈ પણ વિદેશી રાજદ્વારી મિશને કિવમાંથી સ્થળાંતર કરવાની સત્તાવાર માહિતી આપી નથી. અટલે હાલમાં એવું કહેવું યોગ્ય નથી કે વિદેશી દૂતાવાસોએ કિવ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક અહેવાલોમાં સંભવિત સ્થળાંતર માટેની તૈયારીઓની ચર્ચા થઈ હતી, પરંતુ યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેને આવી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
રશિયા-યુક્રેન વચ્ચે હુમલા વધી રહ્યા છે
છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને તરફથી લાંબા અંતરના હુમલામાં વધારો થયો છે. રશિયા યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કરે છે, જ્યારે યુક્રેન પણ રશિયાની અંદર તેલ અને લશ્કરી માળખા સામે ડ્રોન હુમલા કરી રહ્યું છે.
બંને દેશો એકબીજા પર હુમલાના આરોપ લગાવે છે અને નાગરિકોને નિશાન બનાવવાનો ઈનકાર કરે છે. હાલ રશિયાની નવી ચેતવણી બાદ કિવમાં સુરક્ષાની સ્થિતિ પર દુનિયાભરની નજર છે.
આ પણ વાંચો: 2020ની ચૂંટણીમાં EVMમાં છેડછાડના પુરાવા શોધવા આખી સરકાર લાગી, કાર્યવાહી પ્યુઅર્ટો રિકોથી જ્યોર્જિયા સુધી પહોંચી