અમેરિકામાં હાઈ-પ્રોફાઈલ ડિનર પહેલા હોટલમાં થયેલા ગોળીબારે સુરક્ષા વ્યવસ્થાની નબળાઈઓને ખુલ્લી પાડી દીધી છે. સામાન્ય લોકો માટે ખુલ્લી હોટલમાં માત્ર એક ચોક્કસ હિસ્સા સુધી જ મર્યાદિત સુરક્ષા હોવાને કારણે શૂટર અંદર સુધી પહોંચી ગયો હતો. આ ઘટના બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઉચ્ચ નેતાઓને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
એજન્સીઓ સામે ગંભીર સવાલો
વોશિંગ્ટનમાં આયોજિત 'વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર' પહેલા થયેલી આ ગોળીબારની ઘટનાએ સુરક્ષા એજન્સીઓ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ કાર્યક્રમ વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં યોજાઈ રહ્યો હતો, જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે હાજર હતા. આ આયોજન માટે એક મુખ્ય ઓડિટોરિયમ (બોલરૂમ) તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સેંકડો પત્રકારો, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
સુરક્ષાના બે સ્તર અને મોટી ખામી
જાણકારી મુજબ, જે બોલરૂમમાં રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવો હાજર હતા, ત્યાં પ્રવેશ માટે એરપોર્ટ જેવી કડક તપાસની વ્યવસ્થા હતી. દરેક વ્યક્તિની કડક તપાસ થતી હોય છએ. આ હિસ્સાને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
જાહેર વિસ્તારોમાં ઢીલી સુરક્ષા
સુરક્ષાની સૌથી મોટી ખામી હોટલના બાકીના ભાગોમાં જોવા મળી હતી. પરંપરા મુજબ, વોશિંગ્ટન હિલ્ટન હોટલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવતી નથી, પરંતુ તે અન્ય લોકો માટે ખુલ્લી રહે છે. સુરક્ષા એજન્સીઓ મુખ્યત્વે બોલરૂમ અને ખાસ વીઆઈપી એરિયા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે એન્ટ્રી પોઈન્ટ્સ, કોરિડોર અને અન્ય જાહેર વિસ્તારોમાં પ્રવેશ સામાન્ય રીતે સરળ હોય છે. આ જ કારણ માનવામાં આવે છે કે હુમલાખોર હથિયાર સાથે હોટલની અંદર સુધી પહોંચી ગયો.
ઘટના સમયે શું થયું?
ઘટના સ્થળે ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર, બોલરૂમની આસપાસ અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. સતત રાઉન્ડ ફાયરિંગ જેવા અવાજોને કારણે અંદર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તરત જ યુએસ સીક્રેટ સર્વિસ એ એક્શનમાં આવીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અન્ય નેતાઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષા મંત્રી પીટ હેગસેથ સહિતના નેતાઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.સુરક્ષા દળોએ થોડી જ વારમાં આખી હોટલને ઘેરી લીધી હતી અને નેશનલ ગાર્ડ્સના જવાનોને તૈનાત કરી દીધા હતા. અહેવાલો મુજબ, હુમલાખોરને ઘટનાસ્થળે જ પકડી લેવામાં આવ્યો છે.
વિરોધ પ્રદર્શન અને ભીડનો ફાયદો
ઘટના પહેલા હોટલની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓ તો રેડ કાર્પેટ સુધી પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે પબ્લિક એક્સેસવાળા વિસ્તારોમાં ભીડ અને હલચલ ઘણી વધારે હતી, જેણે સુરક્ષા એજન્સીઓ માટે પડકાર વધારી દીધો હતો. આવા સંવેદનશીલ કાર્યક્રમોમાં જો પબ્લિક એરિયા ખુલ્લા રહે, તો સુરક્ષામાં ગાબડું પડવાનું જોખમ હંમેશા રહે છે.અને હાલના તણવાભરી સ્થિતીમાં ટ્રમ્પના વિરોધીઓમાં પણ વધારો થયો છે તો ટ્રમ્પની સુરક્ષા બેવડી થવી જોઈએ.
આ પણ વાંચો: Washingtonની હોટલમાં અંધાધુંધ ફાયરિંગ, ડિનરમાં હાજરી આપવાના હતા ટ્રમ્પ, સીક્રેટ સર્વિસે સુરક્ષીત બહાર કાઢ્યા