જાપન ટેક્નોલોજીને લઇને હંમેશા આગળ રહ્યું છે પરંતુ તમને જાણીને આશ્ચાર્ય થશે કે ત્યાં મહિલાઓ માટેની સૌથી મહત્વની સુવિધા નથી. વાસ્તવમાં જાપાનની સંસદ (ડાયેટ) હાલમાં એક અનોખી પરંતુ ગંભીર સમસ્યાને કારણે ચર્ચામાં છે. શૌચાલયોની અછત. ખાસ કરીને મહિલા સાંસદોને પૂરતી શૌચાલય સુવિધા ન મળતી હોવાને કારણે સંસદીય સત્રો દરમિયાન લાંબી કતારો જોવા મળે છે. આ મુદ્દો હવે માત્ર મહિલા સાંસદોની ફરિયાદ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ જાપાનના વડાપ્રધાન સના તાકાઈચીએ પણ નવા મહિલા શૌચાલય બનાવવાની માંગને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.


60 મહિલાઓની શૌચાલયો માટે અરજી

અહેવાલ મુજબ, આશરે 60 મહિલા સાંસદોએ સંસદ ભવનમાં મહિલા શૌચાલયોની સંખ્યા વધારવા માટે સત્તાવાર અરજી દાખલ કરી છે. તેમનું કહેવું છે કે સંસદમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે, પરંતુ શૌચાલય જેવી મહત્વની સુવિધાઓ હજી પણ જૂના સમયમાં અટવાઈ ગઈ છે. ઓક્ટોબર 2024ની ચૂંટણીમાં નીચલા ગૃહમાં 465 બેઠકોમાંથી રેકોર્ડ 73 મહિલાઓ ચૂંટાઈ આવી હતી. આ પહેલાં 2009માં સૌથી વધુ 54 મહિલાઓ ચૂંટાઈ હતી. જ્યારે ઉપરના ગૃહમાં 248 બેઠકોમાંથી 74 મહિલાઓ છે.

સત્ર શરૂ થાય તે પહેલા લાંબી કતારો

મહિલા સાંસદ અને વિપક્ષી નેતા યાસુકો કોમિયામા કહે છે કે, “સંસદીય સત્ર શરૂ થાય તે પહેલાં શૌચાલયોની બહાર લાંબી કતારો લાગી જાય છે.” એક મહિલા સાંસદે તો એવું પણ કહ્યું કે, તેઓ સત્ર પહેલાં શૌચાલય જવાનું ટાળે છે, જેથી સમયસર બેઠકમાં હાજર રહી શકે.

માત્ર એક મહિલા શૌચાલય

હાલની સ્થિતિ જોઈએ તો નીચલા ગૃહના મુખ્ય ચેમ્બરની નજીક માત્ર એક મહિલા શૌચાલય છે, જેમાં ફક્ત બે ક્યુબિકલ્સ છે, જ્યારે ત્યાં 73 મહિલા સાંસદો કાર્યરત છે. આખી સંસદ ભવનમાં કુલ નવ મહિલા શૌચાલય છે, જેમાં માત્ર 22 ક્યુબિકલ્સ ઉપલબ્ધ છે. બીજી બાજુ, પુરુષો માટે 12 શૌચાલય છે, જેમાં કુલ 67 સ્ટોલ અને યુરિનલ્સ છે.

મુખ્ય કારણ સંસદ ભવનનો ઇતિહાસ

આ સમસ્યાનું મુખ્ય કારણ સંસદ ભવનનો ઇતિહાસ પણ છે. આ ઇમારત 1936માં બનાવવામાં આવી હતી, જ્યારે જાપાનમાં મહિલાઓને 1945 પછી મતાધિકાર મળ્યો. એટલે કે તે સમયે મહિલાઓની ભાગીદારીનો વિચાર જ કરવામાં આવ્યો નહોતો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના “ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ” અનુસાર જાપાન 148 દેશોમાંથી 118મા ક્રમે છે. જોકે, હવે સરકારનો ઉદ્દેશ્ય સંસદમાં ઓછામાં ઓછી 30 ટકા બેઠકો મહિલાઓ માટે સુનિશ્ચિત કરવાનો છે. આવી સ્થિતિમાં શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરવો અત્યંત જરૂરી બની ગયો છે.

આ પણ વાંચો : Powerful Leaders : દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓ જેમના એક ઈશારે આખું વિશ્વ હચમચી ઉઠે છે!


  • Follow us on: