અમેરિકાના રાજકારણમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મુખ્યપ્રવાહના મીડિયા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રમ્પ દ્વારા કેટલાક પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાન પર વ્હાઇટ હાઉસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા, દેશના પાંચ મોટા ટીવી પ્રસારણકર્તાઓએ એકજૂથ થઈને વ્હાઇટ હાઉસના 'પૂલ કવરેજ'નો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું દુર્લભ અને મોટું પગલું ભર્યું છે.
ટ્રમ્પે મીડિયાને વ્હાઇટ હાઉસની મુલાકાત પર લગાવી હતી રોક
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પ પ્રશાસને CNN, MS NOW અને Politico જેવા ત્રણ મુખ્ય મીડિયા સંગઠનોને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા પર રોક લગાવી દીધી. આ નિર્ણયથી નારાજ થઈને આ સંગઠનોએ ટ્રમ્પના આદેશને કોર્ટમાં પડકાર્યો છે અને તેને અમેરિકન બંધારણના પ્રથમ સુધારા હેઠળ મળેલા વાણી સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ ત્રણ ચેનલોના સમર્થનમાં અન્ય મુખ્ય બ્રોડકાસ્ટર્સે પણ સોમવારે વ્હાઇટ હાઉસના તમામ કાર્યક્રમોનું પૂર્વ-રેકોર્ડિંગ કે લાઈવ કવરેજ પૂરું પાડવાનું અટકાવી દીધું.
ટ્રમ્પે મીડિયા સાથે કર્યુ ગેરવર્તન
આ બહિષ્કારની અસર તરત જ વર્તાઈ હતી. સોમવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ટ્રમ્પની મુલાકાતનું કે વ્હાઇટ હાઉસના સાઉથ લૉન પર હેલિપેડના ઉદ્ઘાટનનું મુખ્ય ટીવી ચેનલો દ્વારા કોઈ કવરેજ કરવામાં આવ્યું ન હતું. હેલિકોપ્ટરના અવાજ વચ્ચે ટ્રમ્પનો અવાજ પણ સ્પષ્ટ સંભળાયો ન હતો. આ સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા પ્રત્યે આક્રમક રૂખ અપનાવતા નકલી સમાચાર પ્રસારિત કરનાર મીડિયાને 'કેન્સર' અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ આ મીડિયા આઉટલેટ્સ પર ડાબેરી પ્રચાર ફેલાવવાનો આરોપ મૂક્યો છે. જોકે, ટ્રમ્પે સ્વીકાર્યું છે કે આ મામલે તેઓ કોર્ટમાં કાનૂની લડાઈ હારી પણ શકે છે.
ટ્રમ્પે લોન્ચ કર્યુ ટ્રમ્પ ટીવી
બીજી તરફ, મુખ્યધારાના મીડિયા સાથેના આ તણાવ વચ્ચે વ્હાઇટ હાઉસે એક મોટું પગલું ભરીને પોતાનું નવું 24/7 સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘ટ્રમ્પ ટીવી’ લૉન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના જૂના ભાષણો, વહીવટીતંત્રની જાહેરાતો અને વિવિધ અપડેટ્સ સતત પ્રસારિત કરવામાં આવશે. આગામી સમયમાં વ્હાઇટ હાઉસ અને અમેરિકન મીડિયા વચ્ચેનો આ શીતયુદ્ધ કોર્ટના આદેશો બાદ કેવું વળાંક લે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર છે.
આ પણ વાંચોઃ Bihar: ક્યાંક છેડતી તો ક્યાંક ‘તાલિબાની સજા’! બિહાર-ઝારખંડની ઘટનાએ ઉઠાવ્યા ગંભીર સવાલ