અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને તેમની પત્ની ઉષા વાન્સ ઈઝરાયલના પ્રવાસે પહોંચ્યા છે. તેમનો આ પ્રવાસ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધવિરામને મજબૂત બનાવવા માટેનો છે. આ યુદ્ધવિરામ અમેરિકાના સમર્થનથી લાગુ કરવામાં આવ્યું હતું પણ તાજેતરમાં હિંસા થવાના કારણે તેની સ્થિરતા પર સવાલો ઉભા થવા લાગ્યા છે.


હમાસે યુદ્ધવિરામ હેઠળ 13 મૃત બંધકોના મૃતદેહ પરત કર્યા

વાન્સ ગુરુવાર સુધી આ વિસ્તારમાં રહેશે. તેઓ ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરશે, જેરુસલેમમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને એવા પરિવારો સાથે મુલાકાત કરશે જેમના સંબંધીઓ હજુ પણ ગાઝામાં બંધક બનાવવામાં આવ્યા છે અથવા તાજેતરમાં જ મુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં હમાસે યુદ્ધવિરામ હેઠળ 13 મૃત બંધકોના મૃતદેહ પરત કર્યા છે, પરંતુ ઈઝરાયલ હજુ પણ 15 વધુ લોકોના મૃતદેહની રાહ જોઈ રહ્યું છે.

હમાસે બીજો મૃતદેહ પાછો આપ્યો

ઈઝરાયલે મંગળવારે જાહેરાત કરી હતી કે હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલામાં અપહરણ કરાયેલા ઇઝરાયલી નાગરિક તાલ હામ્મીનો મૃતદેહ પરત કર્યો છે. તાલ ગાઝા સરહદ નજીક કિબ્બુટ્ઝ નીર ઈત્ઝાકનો રહેવાસી હતો. તે 42 વર્ષનો હતો અને કિબ્બુટ્ઝની સુરક્ષા ટીમમાં સેવા આપતો હતો. તેને ચાર બાળકો હતા, જેમાંથી એકનો જન્મ તેના અપહરણ પછી થયો હતો.

અમે શાંતિ ઈચ્છીએ છીએ તેવો હમાસે કર્યો દાવો

તાજેતરની અથડામણો બાદ, હમાસના મુખ્ય વાટાઘાટકાર, ખલીલ અલ-હય્યાએ જણાવ્યું હતું કે તેમનું સંગઠન યુદ્ધને હંમેશા માટે સમાપ્ત કરવા માગે છે. તેમણે જણાવ્યું હતું કે હમાસ ઇજિપ્ત અને યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલ શર્મ અલ-શેખ કરાર હેઠળ શાંતિ પ્રક્રિયા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. હય્યાએ કહ્યું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય મધ્યસ્થીઓએ તેમને ખાતરી આપી હતી કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે ઈઝરાયલે દવા, તંબુ અને કોલ્ડ-પ્રૂફ સાધનો જેવી સહાયનો પુરવઠો વધારવો જોઈએ.


  • Follow us on: