કેનેડા દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે, જે દરરોજ ૫૦ લાખ બેરલથી વધુ તેલ કાઢે છે. તેમ છતાં, આશ્ચર્યની વાત એ છે કે કેનેડાને દર વર્ષે અબજો ડોલર ખર્ચીને વિદેશોમાંથી તેલ ખરીદવું પડે છે. આ બાબત કોઈ આંકડાકીય ભૂલ નથી, પરંતુ ભૌગોલિક સ્થિતિ, તેલના પ્રકાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદાઓનું પરિણામ છે.


ભૂગોળ અને અંતરનો મોટો પડકાર

કેનેડાના કુલ તેલ ભંડારનો ૮૦% હિસ્સો પશ્ચિમમાં આવેલા 'અલ્બર્ટા' પ્રાંતમાં છે. જ્યારે દેશની મોટાભાગની વસ્તી, ઉદ્યોગો અને ઈંધણની માંગ હજારો કિલોમીટર દૂર પૂર્વમાં આવેલા ઓન્ટારિયો અને ક્યુબેક જેવા પ્રાંતોમાં છે. પશ્ચિમથી પૂર્વ સુધી તેલ પહોંચાડવા માટે પૂરતી પાઈપલાઈન નેટવર્ક નથી. આટલા લાંબા અંતરે તેલ પહોંચાડવા કરતા પૂર્વી કેનેડા માટે સમુદ્રી માર્ગે બીજા દેશોમાંથી તેલ મંગાવવું સસ્તું પડે છે.

તેલની ગુણવત્તા પણ જવાબદાર

બીજું મુખ્ય કારણ તેલની ગુણવત્તા છે. અલ્બર્ટામાંથી જે તેલ નીકળે છે તે અત્યંત ભારે અને ચીકણું (Bitumen) હોય છે. પૂર્વી કેનેડાની રિફાઈનરીઓ દાયકાઓ જૂની છે અને તે હળવા તેલને પ્રોસેસ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. ભારે તેલને સાફ કરવા માટે રિફાઈનરીઓમાં અબજો ડોલરના રોકાણની જરૂર છે, જે કંપનીઓ કરવા તૈયાર નથી. આથી, કેનેડા પોતાનું ભારે તેલ અમેરિકાને વેચી દે છે અને પોતાની જરૂરિયાત માટે હળવું તેલ મધ્ય પૂર્વ કે અમેરિકાથી આયાત કરે છે.

અમેરિકા પર નિર્ભરતા

કેનેડાના તેલ નિકાસનો ૯૫% હિસ્સો અમેરિકા જાય છે. ઘણીવાર એવું બને છે કે કેનેડાનું કાચું તેલ અમેરિકા જાય, ત્યાં રિફાઈન થાય અને ફરીથી પેટ્રોલ-ડીઝલ બનીને કેનેડા પાછું આવે. જોકે, તાજેતરમાં ટ્રાન્સ માઉન્ટેન પાઈપલાઈન દ્વારા ભારત અને ચીન જેવા દેશોમાં તેલ મોકલીને કેનેડાએ પોતાની બજાર વિસ્તારવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

આ પણ વાંચો:Japanમાં વધતી મુસ્લિમ વસ્તીને લઈને વિરોધ,પહેલા 4 મસ્જિદ હતી હવે 150 પર પહોંચી

  • Follow us on: