મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની શક્યતા વચ્ચે દુનિયા પહેલેથી જ તણાવમાં છે. આવી સ્થિતિમાં અમેરિકાએ અચાનક એક નવો મોરચો ખોલ્યો છે અને આ વખતે નિશાન પર છે કેરેબિયન દેશ ક્યુબા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી ક્યુબાને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યો છે.


તમામ દેશો પર વધારાના ટેરિફ

આ આદેશ હેઠળ અમેરિકા હવે એવા તમામ દેશો પર વધારાના ટેરિફ (આયાત કર) લાદશે, જે ક્યુબાને સીધા અથવા પરોક્ષ રીતે તેલ પુરું પાડે છે. આ નિર્ણય International Emergency Economic Powers Act (IEEPA) હેઠળ લેવામાં આવ્યો હોવાનું વ્હાઇટ હાઉસે જણાવ્યું છે.

ક્યુબા પર શા માટે આક્ષેપ?

ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે ક્યુબા અમેરિકા વિરોધી દેશો અને સંગઠનો સાથે નજીકના સંબંધો રાખે છે. આ યાદીમાં ચીન, રશિયા અને ઈરાન ઉપરાંત હમાસ અને હિઝબુલ્લાહ જેવા સંગઠનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 લશ્કરી અને ગુપ્તચર સુવિધાઓ

અમેરિકાનો આરોપ છે કે ક્યુબા તેની ધરતી પર અમેરિકા વિરોધી તત્વોને લશ્કરી અને ગુપ્તચર સુવિધાઓ આપે છે. ખાસ કરીને, ક્યુબામાં રશિયાનું સૌથી મોટું વિદેશી સિગ્નલ ઈન્ટેલિજન્સ બેઝ હોવાનો દાવો કરવામાં આવે છે, તેમજ ચીન સાથે ક્યુબાની લશ્કરી ભાગીદારી પણ વધી રહી હોવાનું કહેવામાં આવે છે.

ક્યુબાનું વધતું ઉર્જા સંકટ

આ આદેશ ક્યુબાની પહેલેથી જ નબળી અર્થવ્યવસ્થાને વધુ મોટો ઝટકો આપી શકે છે. 1959ની ક્રાંતિ પછી ક્યુબા હાલમાં તેના સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ઇંધણની અછતને કારણે વીજળી કપાઈ જાય છે, ખાદ્ય પદાર્થોની અછત છે અને પ્રવાસન ક્ષેત્ર પણ ઘટતું જઈ રહ્યું છે.

મેક્સિકોએ ક્યુબાને તેલ પુરવઠો અસ્થાયી રીતે રોક્યો

અહેવાલો મુજબ, મેક્સિકોએ ક્યુબાને તેલ પુરવઠો અસ્થાયી રીતે રોકી દીધો છે. જો કે મેક્સિકોના રાષ્ટ્રપતિએ અમેરિકાના દબાણને કારણે આવું થયું હોવાનો ઇનકાર કર્યો છે. તાજેતરમાં ક્યુબાની તેલ આયાતમાં મેક્સિકોનો હિસ્સો 44%, વેનેઝુએલાનો 33% અને રશિયાનો લગભગ 10% હતો. વેનેઝુએલાથી પુરવઠો પહેલેથી જ બંધ થઈ જવાથી ક્યુબાની સ્થિતિ વધુ ગંભીર બની છે.

ક્યુબાનો અમેરિકાને જવાબ

ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલએ અમેરિકાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ક્યુબા હંમેશા સમાનતા અને પરસ્પર સન્માનના આધાર પર સંવાદ માટે તૈયાર છે. સાથે જ, ક્યુબાએ અમેરિકા પર કેરેબિયન વિસ્તારમાં “આર્થિક દાદાગીરી અને આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી” કરવાનો આરોપ પણ મૂક્યો છે.

આ પણ વાંચો : Trumpની કેનેડા સામે મોટી ચેતવણી, 50% ટેરિફની ધમકી આપી


  • Follow us on: