છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાના એક મોટા નિવેદને ભારત સહિત અનેક દેશોમાં ચિંતા ઊભી કરી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફના કારણે ભારતે રશિયન તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. એક ઇન્ટ્રવ્યુમાં તમણે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું વધાર્યું હતું, કારણ કે તે તેલ અન્ય દેશોની તુલનામાં ઘણું સસ્તું હતું. પરંતુ હવે, ટ્રમ્પ સરકારના દબાણ અને ટેરિફ નીતિ બાદ, ભારતે પોતાની ખરીદીમાં મોટો ઘટાડો કર્યો છે.


500 ટકા ટેરિફની ચર્ચા ક્યાંથી આવી?

અમેરિકામાં સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા એક કડક બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ મુજબ, જે દેશો રશિયા પાસેથી તેલ ખરીદશે, તેમના પર ઓછામાં ઓછા 500 ટકા ટેરિફ લાદી શકાય. આ બિલ હજુ સેનેટમાં ચર્ચા હેઠળ છે, પરંતુ ટ્રમ્પે તેને રાજકીય સમર્થન આપી દીધું હોવાનું માનવામાં આવે છે. સ્કોટ બેસન્ટે સ્પષ્ટ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આવા કડક પગલાં લેવા માટે ફરજિયાત રીતે સેનેટની મંજૂરી લેવાની જરૂર નથી. તેઓ IEPA (International Emergency Economic Powers Act) હેઠળ સીધા આર્થિક પ્રતિબંધો અને ટેરિફ લાદી શકે છે. જોકે, જો સેનેટ આ બિલ પાસ કરે, તો ટ્રમ્પને વધુ મજબૂત કાનૂની સત્તા મળશે.

ભારતનું ઉદાહરણ કેમ આપ્યું?

બેસન્ટે ભારતને ઉદાહરણ તરીકે રજૂ કર્યું અને કહ્યું કે અમેરિકાના દબાણથી કેવી રીતે દેશો પોતાની નીતિ બદલવા મજબૂર થાય છે. તેમના જણાવ્યા અનુસાર, 25 ટકા ટેરિફ બાદ ભારતે રશિયન તેલથી દૂર રહેવાનો રસ્તો અપનાવ્યો છે. પરંતુ તેમણે સૌથી વધુ નારાજગી યુરોપ અને ચીન સામે વ્યક્ત કરી. તેમનું કહેવું છે કે યુક્રેન યુદ્ધને ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં, યુરોપ હજુ પણ રશિયન ઊર્જા ખરીદી રહ્યું છે. ખાસ કરીને ચીન પર અમેરિકાનો ગુસ્સો વધારે છે, કારણ કે ચીન મોટા પાયે ડિસ્કાઉન્ટ ભાવે રશિયન તેલ ખરીદી રહ્યું છે, જેનાથી મોસ્કોને યુદ્ધ ચલાવવા માટે નાણાં મળી રહ્યા છે.

ભારતની સ્થિતિ શું છે?

ભારતે હંમેશા પોતાની ઊર્જા નીતિનું સમર્થન કર્યું છે. ભારતનું કહેવું છે કે તેલ ખરીદીનો નિર્ણય રાજકીય નહીં પરંતુ આર્થિક અને જનહિત આધારિત છે. યુક્રેન યુદ્ધ પછી રશિયન તેલ સસ્તું મળતું હોવાથી ભારતે તેની ખરીદી વધારી હતી, જેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રિત રહી શકે. ભારતનું સ્પષ્ટ વલણ છે કે તેની પ્રાથમિકતા પોતાના નાગરિકોને સસ્તું અને સતત ઊર્જા પુરવઠો આપવાની છે. સાથે સાથે, ભારત આંતરરાષ્ટ્રીય દબાણ અને કૂટનીતિક સંતુલન વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આગળ શું થઈ શકે?

હાલની સ્થિતિમાં ભારત પર સીધો 500 ટકા ટેરિફ લાગુ થયો નથી, પરંતુ અમેરિકાની નીતિ સ્પષ્ટ સંકેત આપે છે કે રશિયન તેલ ખરીદનારા દેશો માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ વધી શકે છે. આવનારા દિવસોમાં સેનેટનો નિર્ણય અને ટ્રમ્પ સરકારના પગલાં ભારત સહિત સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : Greenland વિવાદથી નાટો તૂટે તો ભારતને ફાયદો કે નુકસાન? જાણો


  • Follow us on: