શું બ્રહ્માંડમાં આપણે એકલા છીએ? શું અમેરિકાના નેવાડા રણમાં આવેલું 'એરિયા 51' (Area 51) ખરેખર બીજા ગ્રહના જીવોનું આશ્રયસ્થાન છે? દાયકાઓથી દુનિયાને સતાવતા આ પ્રશ્નોના જવાબ હવે કદાચ ટૂંક સમયમાં મળી શકે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 19 ફેબ્રુઆરી 2026ના રોજ એક ઐતિહાસિક જાહેરાત કરતા પોતાની એજન્સીઓને UFO અને એલિયન્સ સાથે જોડાયેલા તમામ સરકારી દસ્તાવેજો સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે.
ટ્રમ્પનો આદેશ અને જિજ્ઞાસા
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું છે કે, જાહેર હિતને ધ્યાનમાં રાખીને તેઓ સંરક્ષણ સચિવ અને અન્ય એજન્સીઓને નિર્દેશ આપે છે કે અજાણી હવાઈ ઘટના (UAPs) અને બહારની દુનિયાના જીવો સાથે સંબંધિત તમામ ફાઈલો ઓળખવામાં આવે અને તેને જાહેર કરવામાં આવે. જોકે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે કયા દસ્તાવેજો ક્લાસિફાઇડ કેટેગરીમાં રહેશે, પરંતુ તેમણે આ વિષયને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે.
ઓબામા સાથે ટકરાવ
આ મામલે રાજકીય ગરમાવો ત્યારે આવ્યો જ્યારે ટ્રમ્પે પૂર્વ પ્રમુખ બરાક ઓબામા પર ગંભીર આરોપ લગાવ્યા. ઓબામાએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે એલિયન્સ વાસ્તવિક છે પરંતુ તેઓ એરિયા 51માં નથી અને ત્યાં કોઈ ભૂગર્ભ લેબ પણ નથી. ટ્રમ્પના મતે ઓબામાએ આવી સંવેદનશીલ માહિતી જાહેર કરીને મોટી ભૂલ કરી છે. 79 વર્ષીય ટ્રમ્પે પોતે એલિયન્સમાં માને છે કે નહીં તે અંગે મૌન સેવ્યું છે, પણ તેઓ સત્ય બહાર લાવવા મક્કમ દેખાય છે.
શું છે સત્ય?
વર્ષોથી એવા અહેવાલો આવતા રહ્યા છે કે આકાશમાં રહસ્યમય ઉડતી વસ્તુઓ (UFO) દેખાઈ છે. ઘણીવાર એવી આશંકા પણ સેવાઈ છે કે આ કોઈ બીજા ગ્રહની ટેકનોલોજી નહીં પણ દુશ્મન દેશોના અત્યાધુનિક જાસૂસી વિમાનો હોઈ શકે છે. જોકે, માર્ચ 2024માં પેન્ટાગોને એક રિપોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે એલિયન ટેકનોલોજી હોવાના કોઈ પુરાવા નથી અને મોટાભાગની ઘટનાઓ હવામાનના ફુગ્ગાઓ કે ઉપગ્રહો હોવાનું બહાર આવ્યું છે. ટ્રમ્પના આ આદેશ બાદ હવે વિશ્વભરના વિજ્ઞાનીઓ અને 'કોન્સ્પિરેસી થિયરી'માં માનનારા લોકોની નજર અમેરિકા પર ટકેલી છે. શું ખરેખર કોઈ રહસ્ય છુપાયેલું છે કે પછી આ માત્ર એક રાજકીય ગતકડું છે, તે તો આવનારો સમય જ કહેશે.
આ પણ વાંચોઃ Epstein files: કિંગ ચાર્લ્સના નાના ભાઇ પ્રિન્સ એન્ડ્રુની એપ્સટિન કેસમાં ધરપકડ બાદ 11 કલાક બાદ મુક્ત કરાયા