અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સત્તાવાર વિમાન 'એરફોર્સ વન' માટે એક નવી અને વધુ પ્રભાવશાળી કલર સ્કીમ પસંદ કરી છે. 1960ના કેનેડી યુગથી ચાલી આવતી આછા વાદળી (બેબી બ્લુ) અને સફેદ રંગની આઇકોનિક ડિઝાઇનને હવે વિદાય આપવામાં આવશે. તેના સ્થાને અમેરિકન ધ્વજના રંગો લાલ, સફેદ અને ઘેરો વાદળી (નેવી બ્લુ) વિમાનની નવી ઓળખ બનશે.
ટ્રમ્પનો અભિગમ: "બેબી બ્લુ નહીં, પાવર બ્લુ"
ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી એરફોર્સ વનના વર્તમાન રંગની ટીકા કરી છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "અમે બેબી બ્લુ નહીં પણ પાવર બ્લુ ઇચ્છીએ છીએ. લાલ, સફેદ અને વાદળી રંગો વધુ દેશભક્તિપૂર્ણ અને યોગ્ય લાગે છે." આ નવી ડિઝાઇન ટ્રમ્પના પોતાના અંગત વિમાનના લુકને ઘણી મળતી આવે છે, જેમાં સફેદ ટોપ, ઘેરો વાદળી નીચેનો ભાગ અને વચ્ચે લાલ પટ્ટો હોય છે.
બિડેનનો નિર્ણય અને ટ્રમ્પની વાપસી
નોંધનીય છે કે 2018માં ટ્રમ્પે પ્રથમવાર આ ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, 2023માં તત્કાલીન રાષ્ટ્રપતિ જો બિડેને આ નિર્ણયને ઉલટાવી દીધો હતો. તે સમયે વાયુસેનાએ સમીક્ષામાં જણાવ્યું હતું કે ઘેરો વાદળી રંગ એન્જિનની ગરમીમાં વધારો કરી શકે છે, જેનાથી જાળવણી ખર્ચ અને વિમાનની ડિલિવરીમાં વિલંબ થઈ શકે છે. પરંતુ સત્તામાં પરત ફરતાની સાથે જ ટ્રમ્પે ફરીથી આ ફેરફાર પર મહોર મારી દીધી છે.
બોઇંગ 747-800: ટેકનોલોજી અને લક્ઝરીનું મિશ્રણ
હાલમાં બોઇંગ કંપની બે નવા 747-800 વિમાનોમાં ફેરફાર કરી રહી છે, જે જૂના 747-200 મોડલનું સ્થાન લેશે. આ વિમાનો અત્યાધુનિક સુરક્ષા પ્રણાલીથી સજ્જ હશે. આ ઉપરાંત, કતાર તરફથી ભેટમાં મળેલા લક્ઝરી બોઇંગ 747 જેટને પણ હવે એરફોર્સ વન તરીકે અપડેટ કરવામાં આવશે, જેના સુરક્ષા ફેરફારો માટે અંદાજે 400 મિલિયન ડોલરનો ખર્ચ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ US: ભારે ઠંડીમાં 19ના મોત બાદ ન્યૂયોર્કનું તંત્ર જાગ્યું, બેઘર લોકોના કેમ્પ હટાવવાની શરૂ થશે કાર્યવાહી