ન્યૂયોર્ક સિટીના નવા મેયર ઝોહરાન મમદાનીએ શહેરના રસ્તાઓ, બગીચાઓ અને સબવે સ્ટેશનો પર બનેલા કામચલાઉ બેઘર કેમ્પને હટાવવાની પ્રક્રિયા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. અગાઉના મેયર એરિક એડમ્સની કડક નીતિથી વિપરીત, મમદાનીએ આ વખતે 'માનવીય અભિગમ' અપનાવવાની ખાતરી આપી છે. મેયર બન્યાના ગણતરીના દિવસોમાં જ તેમણે જૂની નીતિઓ સ્થગિત કરી હતી, કારણ કે તેઓ માનતા હતા કે માત્ર કેમ્પ હટાવવાથી સમસ્યા હલ નથી થતી, પણ તેના માટે કાયમી રહેઠાણની વ્યવસ્થા જરૂરી છે.


શા માટે લેવાયો આ નિર્ણય?

તાજેતરમાં ન્યુ યોર્કમાં પડેલી અસહ્ય ઠંડીએ વહીવટીતંત્રની આંખ ઉઘાડી દીધી છે. કડકડતી ઠંડીને કારણે ઓછામાં ઓછા 19 લોકોના થીજી જવાથી મૃત્યુ થયા છે. આ કરૂણ ઘટના બાદ સરકાર પર દબાણ વધ્યું હતું કે લોકોને ખુલ્લા આકાશ નીચે છોડી દેવા એ જોખમી છે. આથી, લોકોને સુરક્ષિત અને ગરમ આશ્રયસ્થાનોમાં ખસેડવા માટે આ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

નવી પદ્ધતિ: પોલીસ નહીં, પણ સેવાભાવી કર્મચારીઓ આગળ રહેશે

મેયર મમદાનીએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે કાર્યવાહીમાં બળપ્રયોગ કરવામાં આવશે નહીં.નવા અભિગમના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.સૌથી પહેલા કેમ્પ હટાવવાની લેખિત નોટિસ આપવામાં આવશે.બેઘર સેવા વિભાગના કર્મચારીઓ સતત સાત દિવસ સુધી આ લોકોની મુલાકાત લેશે, તેમને સમજાવશે અને વિશ્વાસમાં લેશે. આ સમય દરમિયાન તેમને કામચલાઉ આવાસ, આરોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષા સાથે જોડવામાં આવશે. સાતમા દિવસે જ્યારે સફાઈ કરવામાં આવશે, ત્યારે પોલીસ માત્ર દેખરેખ માટે હાજર રહેશે, નેતૃત્વ કર્મચારીઓનું રહેશે.

વિરોધ અને સમર્થન

આ નિર્ણય પર રાજકીય જગત બે ભાગમાં વહેંચાયેલું છે. સિટી કાઉન્સિલના સ્પીકર જુલ્સ મેનિને આ પગલાને ટેકો આપતા કહ્યું કે ઠંડીમાં લોકોને રસ્તા પર મરવા ન છોડી શકાય. બીજી તરફ, 'કોએલિશન ફોર ધ હોમલેસ' ના ડિરેક્ટર ડેવિડ ગિફેને ચિંતા વ્યક્ત કરી છે કે જ્યારે લોકોનો સામાન ફેંકી દેવામાં આવે છે, ત્યારે તેમનો સરકાર પરથી ભરોસો ઉઠી જાય છે.

આ પણ વાંચોઃ  AI Summit: ગુજરાતની શાન થેપલાથી લઈને રામદાના લાડુ સુધી....આ રહ્યું AI સમિટનું ખાસ મેનુ


  • Follow us on: