આપણા ગુજરાતમાં સામાન્ય માન્યતા છે કે ઘરમાં બિલાડી રાખવી અશુભ ગણાય છે અને તે આર્થિક કે માનસિક નુકસાન લાવે છે. જ્યારે વિદેશોમાં દૃશ્ય સંપૂર્ણ અલગ છે. ત્યાં તો બિલાડીઓ પરિવારના સભ્ય જેવી હોય છે. પરંતુ ઇટાલીમાં એક એવું ગામ છે જ્યાં માણસો કરતા બિલાડીઓની સંખ્યા વધારે છે અને એ હકીકત રસપ્રદ છે


આ ગામમાં ફક્ત બિલાડીઓનું રાજ

અબ્રુઝો પર્વતોની ઊંચાઈ પર વસેલું નાનું ગામ પેગ્લિયારા દેઈ માર્સી. પથ્થરના ઘરો, સાંકડી શેરીઓ અને વર્ષોથી ઘટતી માનવ વસતી. અહીં બિલાડીઓ નિર્ભયતાથી દરવાજાઓમાંથી પસાર થતી, દિવાલો પર સૂતી અને શાંત થઈ ગયેલી શેરીઓમાં ફરતી જોવા મળતી. સમય જતાં, ગામમાં માનવ અવાજો કરતાં બિલાડીના પંજા અને ઘુરકાટ વધુ સંભળાતા રહ્યા.

સમય જતા ગામ શાંત થતું ગયું

દાયકાઓથી સતત ઘટતી વસતીના કારણે ગામ જાણે થંભી ગયું હતું. શાળાઓ ખાલી થતી ગઈ, યુવાનો શહેરો તરફ ખસી ગયા અને ગામ વૃદ્ધોની સ્મૃતિમાં ફેરવાતું ગયું. છેલ્લા લગભગ 30 વર્ષથી અહીં કોઈ બાળકનો જન્મ થયો નહોતો. પરંતુ માર્ચ મહિનામાં, અહિંયા એક બાળકનો જન્મ થયો. આ બાળક માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ આખા ગામ માટે આશાનું પ્રતિક બની ગયું.

આંકડા અનુસાર આટલી જ વસ્તી

આ ઘટના ઇટાલીની વ્યાપક વસ્તી કટોકટી સાથે જોડાયેલી છે. ઇટાલીની રાષ્ટ્રીય આંકડા એજન્સી અનુસાર, 2024માં દેશમાં માત્ર 3,69,944 બાળકોનો જન્મ થયો હતો. આ અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. પ્રજનન દર ઘટીને પ્રતિ મહિલા 1.18 બાળક રહ્યો છે, જે યુરોપિયન યુનિયનમાં સૌથી નીચો દર ગણાય છે. 2025ના પ્રારંભિક આંકડાઓ દર્શાવે છે કે સ્થિતિ હજી વધુ ગંભીર બની રહી છે.

ગયા વર્ષની સરખામણીએ 10.2 ટકા ઘટ્યો

અબ્રુઝો પ્રદેશ આ સંકટથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે. 2025ના પ્રથમ સાત મહિનામાં અહીંનો જન્મ દર ગયા વર્ષની સરખામણીએ 10.2 ટકા ઘટ્યો છે. પેગ્લિયારા દેઈ માર્સી ભલે નાનું ગામ હોય, પરંતુ તે ખાલી વર્ગખંડો, સંકોચાતા સમુદાયો અને ઝડપથી વૃદ્ધ થતી વસતી જેવા રાષ્ટ્રીય વલણને સ્પષ્ટ રીતે દર્શાવે છે, જે જાહેર સેવાઓ પર ભારે દબાણ ઊભું કરે છે.

મેયરે શું કહ્યું?

બાળકના ઘરથી થોડા જ પગથિયાં દૂર રહેતા મેયરએ જણાવ્યું કે ગામે પેઢી દર પેઢી લોકો ગુમાવ્યા છે. “અમે ઘણા વૃદ્ધ રહેવાસીઓને ગુમાવ્યા, પરંતુ તેમની જગ્યાએ કોઈ આવ્યું નહીં,” તેમણે કહ્યું. મેયરને આશા છે કે આ બાળકનું આગમન અન્ય પરિવારોને પણ અહીં વસવાટ કરવા અને નવા જીવનની શરૂઆત કરવા પ્રેરિત કરશે, જો કે તેઓ સ્વીકારે છે કે આજના સમયમાં આવા નિર્ણય લેવાં અત્યંત મુશ્કેલ બની ગયા છે. બિલાડીઓના શાસનવાળા આ ગામમાં હવે માત્ર ઘુરકાટ નહીં, પરંતુ બાળકનું હાસ્ય પણ સંભળાય છે.

આ પણ વાંચો : World : ઝેલેન્સકી-ટ્રમ્પ બેઠક પહેલા કિવ પર મિસાઇલ હુમલો


  • Follow us on: