ભાગેડુ લલિત મોદી અને વિજય માલ્યા વિદેશમાં આરામદાયક જીવન જીવતા હોવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થઈ રહ્યો છે. લંડનમાં યોજાયેલી એક ખાનગી પાર્ટી દરમિયાન બંને સાથે દેખાઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં લલિત મોદી અને વિજય માલ્યા એક સાથે મોજમસ્તી કરતા નજરે પડે છે. જો કે, બંનેના વિદેશી જીવનશૈલી દર્શાવતા ફોટા અને વીડિયો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે વીડિયો સામે આવ્યા બાદ ભારત સરકાર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી છે.


વિદેશ મંત્રાલયનું નિવેદન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુદ્દે કહ્યું હતું કે ભારત સરકાર કાયદા દ્વારા વોન્ટેડ તમામ ભાગેડુઓની વાપસી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું, “અમે એવા તમામ લોકો, જેઓ ભારતમાં કાયદાથી બચી રહ્યા છે, તેમને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ પ્રક્રિયાને આગળ વધારવા માટે અનેક દેશોની સરકારો સાથે ચર્ચાઓ ચાલી રહી છે.”

ભારત સરકાર આરોપોનો સામનો કરશે

વિદેશ મંત્રાલયે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારત સરકાર આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુઓને સ્વદેશ પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સરકાર વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો અને કૂટનીતિક માધ્યમો દ્વારા આ મુદ્દે કાર્યવાહી કરી રહી છે અને પ્રયાસો ચાલુ છે. આ સરકારની પ્રતિક્રિયા તે સમયે સામે આવી છે, જ્યારે લલિત મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે અને વિજય માલ્યા જન્મદિવસની ઉજવણી કરતા દેખાય છે. વાયરલ ક્લિપમાં લલિત મોદી પોતાનો અને માલ્યાનો પરિચય “ભારતના બે સૌથી મોટા ભાગેડુ” તરીકે કરાવે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વીડિયોમાં શું લખ્યું છે

વીડિયો શેર કરતા લલિત મોદીએ કેપ્શન આપ્યું હતું, “ચાલો ભારતમાં ફરીથી ઇન્ટરનેટ તોડી નાખીએ. જન્મદિવસની શુભેચ્છાઓ મારા મિત્ર વિજય માલ્યા.” આ વીડિયો વિજય માલ્યાના 70મા જન્મદિવસની ઉજવણીનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેનું આયોજન લલિત મોદી દ્વારા લંડનમાં કરવામાં આવ્યું હતું.


લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કાર્યક્રમના કેટલાક દૃશ્યો શેર કર્યા હતા. તેમણે આ કાર્યક્રમને મિત્રો અને પરિવારજનોની બેઠક તરીકે વર્ણવી હતી, જેમાં વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો હાજર રહ્યા હતા. આ પહેલી વાર નથી કે જ્યારે લલિત મોદી અને વિજય માલ્યા વિદેશમાં સાથે હોવાના દૃશ્યો જાહેર થયા હોય. નોંધનીય છે કે આ વીડિયો અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ આ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ સંદેશ ડિજિટલ ન્યૂઝ દ્વારા કરવામાં આવી નથી.

આ પણ વાંચો : America માં બરફના તોફાને મચાવી તબાહી, 1,802 ફ્લાઇટ્સ રદ


  • Follow us on: