મેક્સિકોમાં નાતાલના એક દિવસ પહેલા એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. 24 ડિસેમ્બરે પૂર્વી મેક્સિકાના ઝોન્ટેકોમાટલાન શહેર નજીક એક ઝડપી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત કુલ 10 લોકોનાં મોત થયા હતા, જ્યારે 32 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ચિકોન્ટેપેક ગામ તરફ જઇ રહી હતી બસ
મળતી માહિતી મુજબ, બસ મેક્સિકો સિટીથી ચિકોન્ટેપેક ગામ તરફ જઈ રહી હતી. માર્ગ પર બસ અચાનક નિયંત્રણ ગુમાવી પલટી ગઈ. પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ અથવા યાંત્રિક ખામી અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તરત પહોંચી ગઈ હતી.
મેયર કાર્યાલયનું નિવેદન
ઝોન્ટેકોમાટલાનના મેયર કાર્યાલયે નિવેદન જારી કરીને જણાવ્યું કે આ અકસ્માતમાં નવ પુખ્ત વયના લોકો અને એક બાળકના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. નગરપાલિકાએ ઘાયલ થયેલા 32 લોકોની યાદી પણ જાહેર કરી છે અને તેમને આસપાસની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.
મેક્સિકોમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી
મેક્સિકોમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. ખાસ કરીને બસો અને ટ્રકો સાથે જોડાયેલા અકસ્માતોમાં વધુ જાનહાનિ જોવા મળે છે. ઝડપ, વાહનોની યોગ્ય જાળવણીનો અભાવ અને માર્ગ સુરક્ષાની ખામીઓ આવા અકસ્માતોના મુખ્ય કારણો માનવામાં આવે છે.
પહેલા પણ બની હતી આવી ધટના
ઉલ્લેખનીય છે કે નવેમ્બરના અંતમાં પશ્ચિમી રાજ્ય મિચોઆકનમાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી, જેમાં 10 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક મહિના અંદર બીજી મોટી દુર્ઘટના સામે આવતા માર્ગ સુરક્ષા મુદ્દે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો : Viral News : 'બોસ હોય તો આવો' કંપની વેચ્યા બાદ કર્મચારીઓને રૂ. 2,000 કરોડનું બોનસ