ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે લાંબા સમયથી ચર્ચામાં રહેલો મુક્ત વેપાર કરાર (FTA) હવે સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. 22 ડિસેમ્બરે બંને દેશોએ વ્યાપક, સંતુલિત અને ભવિષ્યલક્ષી FTA પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારને ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને બંને દેશો માટે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાવી છે.


આ કરારથી વધુ રોજગારી સર્જાશે

PM લક્સનના જણાવ્યા અનુસાર, આ કરારથી વધુ રોજગારી સર્જાશે, આવકમાં વધારો થશે અને ન્યુઝીલેન્ડની નિકાસને ભારતીય બજારમાં નવી દિશા મળશે. તેમણે ખાસ કરીને ભારતના 1.4 અબજ ગ્રાહકોને ન્યુઝીલેન્ડ માટે વિશાળ તક તરીકે ગણાવી.

ન્યુઝીલેન્ડના પીએમએ FTA પર શું કહ્યું?

ક્રિસ્ટોફર લક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “અમે અમારા પહેલા કાર્યકાળમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવાનો વાયદો કર્યો હતો અને આજે તે પૂર્ણ થયો છે. આ ઐતિહાસિક સોદાનો અર્થ વધુ નોકરીઓ, વધુ આવક અને વધુ નિકાસ છે.” તેમણે ઉમેર્યું કે આ કરાર ભારત સાથેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે.

ઝડપથી પૂર્ણ થયેલો FTA

આ ભારતના સૌથી ઝડપી પૂર્ણ થયેલા મુક્ત વેપાર કરારોમાંનો એક ગણાય છે. આ કરાર 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્ય સાથે પણ સંરેખિત છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકક્લે વચ્ચેની બેઠક બાદ સત્તાવાર વાટાઘાટોની શરૂઆત થઈ હતી, જે ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ.

વિદેશ મંત્રીનો વિરોધ

જો કે, ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે આ કરારને લઈને સ્પષ્ટ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ કરાર “ન તો સંપૂર્ણ રીતે મુક્ત છે અને ન તો ન્યાયી.” પીટર્સના મતે, જ્યારે ન્યુઝીલેન્ડ ભારતીય ઉત્પાદનો માટે પોતાનું બજાર મોટા પ્રમાણમાં ખોલી રહ્યું છે, ત્યારે ભારત ન્યુઝીલેન્ડની મુખ્ય ડેરી નિકાસ પર ટેરિફમાં નોંધપાત્ર ઘટાડા માટે સંમત થયું નથી. તેમણે આ સ્થિતિને ન્યુઝીલેન્ડના ખેડૂતો અને ગ્રામ્ય સમુદાયો માટે અયોગ્ય ગણાવીને કહ્યું, “દુર્ભાગ્યવશ, આ સોદો ન્યુઝીલેન્ડ માટે સારો નથી.”

FTAનો ભારત માટે ફાયદો શું છે?

FTA હેઠળ બંને દેશો વચ્ચે વેપારમાં 100 ટકા ટેરિફ લાઈનો દૂર કરવામાં આવી છે. આ કરાર ભારતીય નિકાસને સંપૂર્ણ ડ્યુટી-મુક્ત પ્રવેશ આપે છે. ભારતીય વાણિજ્ય મંત્રાલય મુજબ, આથી કાપડ, વસ્ત્રો, ચામડું, ફૂટવેર, દરિયાઈ ઉત્પાદનો, રત્નો અને ઘરેણાં, હસ્તકલા, એન્જિનિયરિંગ માલ અને ઓટોમોબાઇલ્સ જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને મોટો ફાયદો થશે. આ કરાર MSME, કારીગરો, મહિલાઓ અને યુવાનોને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે વધુ મજબૂત રીતે જોડશે અને લાંબા ગાળે આર્થિક સ્થિરતા વધારશે.

આ પણ વાંચો ; AI ચલાવશે દુનિયા ! 2026ની Nostradamusની ખતરનાક ભવિષ્યવાણી


  • Follow us on: