અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા ચર્ચામાં રહે છે. એલન મસ્કનો મામલો કે પછી રશિયા-યુક્રેન યુદ્ધ કે પછી ભારત અને પાકિસ્તાનના સંબંધો કે પછી ટેરિફ વોર. તમામ મુદ્દે ટ્રમ્પ ચોંકાવનારા નિવેદનોના કારણે હેડલાઈનમાં રહે છે. પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દોસ્ત ગણાવનાર ટ્રમ્પ અમેરિકામાંથી ભારતીયોને દેશનિકાલ કરી રહ્યા છે. પહેલા કરતાં અત્યારે અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાનું પ્રમાણ વધ્યું છે. એકરીતે કહી શકાય કે લગભગ દરરોજ 8 ભારતીય પાછા દેશમાં પરત ફરે છે.
બિડેન કરતાં ટ્રમ્પના સમયમાં ભારતીયો વધુ રિટર્ન
છેલ્લા કેટલાક સમયથી અમેરિકાથી ભારતીયોને નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જાન્યુઆરી 2025 માં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકામાંથી ભારતીય નાગરિકોના પાછા મોકલવાનું પ્રમાણ વધ્યું છે. ટ્રમ્પના વહીવટીતંત્રે 1700 થી વધુ ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા છે. આ આંકડો જો બિડેનની સરખામણીએ ત્રણ ગણો છે. વિદેશ મંત્રાલય (MEA)ના આંકડા પરથી આ માહિતી સામે આવી છે. MEA ડેટા મુજબ ફક્ત 6 મહિના એટલે કે જાન્યુઆરી 2025 બાદથી અત્યાર સુધી 1,703 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા. અમેરિકામાંથી ભારતીયોના દેશનિકાલનો આ આંકડો પાંચ વર્ષની સરખામણીએ સૌથી વધુ છે.
આ દિવસોમાં ભારતીયોને પાછા મોકલાયા
ભારતીયો મોટાભાગે વિદેશમાં પહેલી પસંદ અમેરિકા છે. પરંતુ ટ્રમ્પ બીજી વખત આવ્યા બાદથી લગભગ 1,703માંથી 864 જેટલા લોકો વિવિધ યુએસ એજન્સીઓ દ્વારા આયોજિત ચાર્ટર અને લશ્કરી ફ્લાઇટ્સ મારફતે ભારત પાછા મોકલવામાં આવ્યા. યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શને 5, 15 અને 16 ફેબ્રુઆરીના રોજ 333 ભારતીયોને અને 19 માર્ચ, 8 જૂન અને 25 જૂનના રોજ ICE ચાર્ટર પ્લેન દ્વારા અન્ય 231 લોકોને દેશનિકાલ કર્યા હતા આ ઉપરાંત અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે 5 અને 18 જુલાઈના રોજ 300 વધુ ભારતીયોને દેશનિકાલ કર્યા હતા. ટ્રમ્પ દ્વારા વિવિધ દેશોના નાગરિકોને દેશનિકાલ કરતા ત્યાંની સરકાર અને લોકોમાં રોષ જોવા મળ્યો. જો કે ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટને લઈને કડક વલણ અપનાવ્યું છે.