જ્યાં એક તરફ દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યાં ચીનમાં એક અજીબ પણ ગંભીર દોડધામ ચાલી રહી છે. આ દોડધામ સોનાં કે તેલ માટે નહીં, પરંતુ વાંદરાઓ માટે છે. જે પ્રાણી ક્યારેય થોડા હજાર રૂપિયામાં મળી જતું હતું, તે હવે વૈજ્ઞાનિક લેબોરેટરીઓ માટે 25 લાખ રૂપિયાનું અમૂલ્ય “સંશોધન સાધન” બની ગયું છે. દવા અને રસીના પરીક્ષણ માટે વધતી જરૂરિયાતે ચીનમાં વાંદરાઓને દુનિયાના સૌથી મોંઘા પ્રાણીઓમાં સામેલ કરી દીધા છે.
વાંદરાઓની માંગમાં વધારો
ચીનમાં હાલમાં વાંદરાઓને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે. દવા અને રસીના પરીક્ષણ માટે વાંદરાઓની ભારે માંગ ઉભી થઈ છે, જેના કારણે તેમની કિંમતમાં અદભૂત વધારો થયો છે. અહેવાલ મુજબ, ચીન દર વર્ષે સરેરાશ 25,000 વાંદરાઓનો ઉપયોગ બાયોટેસ્ટિંગ માટે કરે છે. ખાસ કરીને રસી અને નવી દવાઓના પરીક્ષણમાં વાંદરાઓનો ઉપયોગ ખૂબ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તેમની શારીરિક રચના માનવો સાથે ઘણી હદ સુધી મેળ ખાતી હોય છે.
ચીન સંશોધન અને નવીનતા માટે જાણીતું
ચીનની સરકારે તબીબી ક્ષેત્રમાં વિશ્વમાં આગવું સ્થાન મેળવવા માટે મોટા પાયે સંશોધન અને નવીનતા પર ભાર મૂક્યો છે. 2025 દરમિયાન એમ્પોક્સ, કોવિડ-19, કેન્સર તેમજ દીર્ધાયુષ્ય (લાંબુ આયુષ્ય) માટેની રસીઓ પર પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ તમામ પરીક્ષણોમાં વાંદરાઓ જરૂરી હોવાથી તેમની માંગમાં એકસાથે વધારો થયો છે.
હાલની માંગ સામે સંખ્યા ઓછી
આ તરફ, ચીનમાં વાંદરાઓની સંખ્યા ઘટી રહી છે. કુદરતી સંવર્ધન ઉપરાંત, બાયોકેમિકલ પદ્ધતિઓ દ્વારા વાંદરાઓનું સંવર્ધન કરવામાં આવે છે. ચાઇના એસોસિએશન ફોર NHP બ્રીડિંગ એન્ડ ડેવલપમેન્ટ અનુસાર, આ પ્રક્રિયા 2018થી શરૂ થઈ હતી. 2021માં સૌથી વધુ 30,000 વાંદરાઓ ઉછેરવામાં આવ્યા હતા, પરંતુ હાલની માંગ સામે આ સંખ્યા ઓછી પડી રહી છે.
ઊંચા ભાવે ખરીદી રહ્યા છે વાંદરા
રસપ્રદ વાત એ છે કે શી જિનપિંગ સરકારની સરકારી એજન્સીઓ પણ આટલા ઊંચા ભાવે વાંદરાઓ ખરીદી રહી છે. સરકારએ સામાન્ય નાગરિકોને પણ વાંદરાઓના સંવર્ધનમાં મદદ કરવા અપીલ કરી છે. જો સ્થિતિ વધુ ગંભીર બને તો વાંદરાઓની દાણચોરી વધવાની શક્યતા પણ છે. અગાઉ 2021માં ચીનમાં વાંદરાઓની અછત વખતે કંબોડિયાથી ગેરકાયદેસર રીતે વાંદરાઓ મંગાવવામાં આવ્યા હતા. કેટલીક દવા કંપનીઓ હાલ પણ વિદેશથી વાંદરાઓ આયાત કરી રહી છે. ચીનમાં વધતા મેડિકલ ટ્રાયલ, ઘટતી વાંદરા સંખ્યા અને વૈજ્ઞાનિક સ્પર્ધાના કારણે વાંદરાઓની માંગ અને કિંમત બંને આસમાને પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : ટેક્સીમાં જ થયો બાળકનો જન્મ, Canadaમાં ભારતીય મૂળના ડ્રાઈવરે કરી માનવતાની સરાહનીય સેવા